રાજય સરકારે તબીબોની હડતાળને ગેરકાયદે ગણાવી છે. ડેપ્યુટી સીએમ નિતિન પટેલે તબીબોને તેમની ફરજ પર હાજર થઇ જવા અથવા 40 લાખ રૂપિયાનો બોન્ડ ભરી દેવા આદેશ કર્યો છે.
ગુજરાતના રેસીડન્સ તબીબો તેમની પડતર માંગણીઓને લઇ હડતાળ પર ઉતર્યા છે. તબીબોની હડતાળના સંદર્ભમાં ડેપ્યુટી સીએમ નિતિન પટેલે જણાવ્યું હતું કે, જે તબીબોએ ગામડામાં નોકરી ન કરવી હોય તો બોન્ડના 40 લાખ રૂપિયા સરકારમાં જમા કરાવી દે. તેમણે હડતાળને ગેરકાયદે અને લોકોને ગેરમાર્ગે દોરનાર ગણાવી છે. તેમણે આરોગ્ય વિભાગના વરીષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હડતાળીયા તબીબો સામે કાર્યવાહીના આદેશ આપ્યાં છે.
પીઆઇજેઆઇ કરી રહેલાં તબીબોએ કોરોનાની મહામારી દરમિયાન વિવિધ ગામડાઓમાં ફરજ બજાવી હતી. તેઓ ગામડાઓમાં બજાવેલી ફરજના દિવસોના બદલામાં બોન્ડ મુકત કરવામાં આવે તેવી માંગણી કરી રહયાં છે. તેમણે સરકાર પાસે સાતમા પગાર પંચ અનુસાર નું વેતન તથા તેમને તેમની મુળભૂત સંસ્થામાં જ એક વર્ષનો અભ્યાસ કરવા દેવામાં આવે તેવી પણ તેમની માંગણી છે. તબીબોએ થોડા દિવસ પહેલાં આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સમક્ષ આ માંગ કરી હતી પરંતુ સરકારે તેમની માંગ ન સ્વીકારતાં તેઓ હાલ હડતાલ પર છે.