ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદ
ઠેર ઠેર ખેતરોમાં પાણી ભરાયા
વિવિધ પ્રોજેકટના કારણે પાણીનો નિકાલ અટક્યો
ખેડૂતોએ કર્યા આક્ષેપ
સરકાર પાસે વળતરની કરી માંગ
ભરૂચ તાલુકામાં એક્સપ્રેસ વે સહિતના પ્રોજેકટના કારણે વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવામાં આક્ષેપ સાથે ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી છે.
ભરૂચ તાલુકાના દહેગામ, કેરવાડા, હિંગ્લોટ, મનુબર, કરમાડ સહિતના અનેક ગામોમાં વરસાદ બાદ ખેતરોમાં ગોઠણસમા પાણી ભરાઈ જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.ખેડૂતોના જણાવ્યા અનુસાર સરકારના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન, દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વે અને ફ્રેઇટ (ગુડ્સ) ટ્રેન પ્રોજેક્ટના કામ દરમિયાન કુદરતી પાણીના નિકાલના માર્ગો અવરોધાતા વરસાદી પાણી ખેતરોમાં જમા થઈ રહ્યા છે.પરિણામે કપાસ, તુવેર, મગ સહિતના ઉભા પાક પાણીમાં ગરકાવ થતાં ભારે નુકસાનની ભીતિ ઊભી થઈ છે.
ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં પાણીનો નિકાલ નહીં થાય તો પાક સંપૂર્ણપણે બરબાદ થવાની શક્યતા છે.અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ પાકના નુકસાનનું સર્વેક્ષણ કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે.
