અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર આજે મોપેડ સવાર યુવકને ગંભીર અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ યુવક અંકલેશ્વર તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન તેણે આગળ જઈ રહેલા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા મોપેડ ડિવાઈડર સાથે જોરદાર અથડાઈ હતી.

અકસ્માતના પગલે યુવકને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. બાદમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવને પગલે થોડા સમય માટે બ્રિજ પર વાહનવ્યવહાર ધીમો બન્યો હતો. અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.