સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસનને મળી નવી દિશા

600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ

દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષક સુવિધાનો ઉમેરો

વિવિધ કાર્યક્રમોના આયોજનો માટે ખાસ ડિઝાઇન કરાઈ છે ક્રુઝ

ક્રુઝમાં 250 લોકો માટે ડાઇનિંગ સુવિધાની પણ વ્યવસ્થા    

નર્મદા જિલ્લાના એકતાનગરમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષક સુવિધાનો ઉમેરો થયો છે. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક અને ભવ્ય ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

એકતાનગરના પ્રવાસન ક્ષેત્રે વધુ એક ભવ્ય આકર્ષણ ઉમેરાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની વધતી માંગને ધ્યાનમાં રાખીને નર્મદા નદીમાં 600 ની ક્ષમતા ધરાવતી નવી, વિશાળ અને અતિ-આધુનિક ક્રુઝ લોન્ચ કરવામાં આવી છે. આ નવી ક્રૂઝ માત્ર સફર માટે જ નહીં, પરંતુ જન્મદિવસની ઉજવણી, લગ્ન સમારંભો, કોર્પોરેટ ઇવેન્ટ્સ અને સંગીત સંધ્યા જેવા ભવ્ય આયોજનો માટે ખાસ ડિઝાઇન કરાઈ છે.

અગાઉની 200 પ્રવાસીઓની ક્ષમતાવાળી ક્રૂઝની સરખામણીએ આ નવી ક્રૂઝ કદ અને સુવિધાઓમાં ઘણી આગળ છે. 30 મીટર લંબાઈ અને 12 મીટર પહોળાઈ ધરાવતી આ ક્રૂઝમાં 250 લોકો માટે ડાઇનિંગ સુવિધા, 5×4 મીટરનું વિશાળ સ્ટેજ અને મનમોહક ડેકોરેટિવ લાઇટિંગ આપવામાં આવી છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના દર્શન સાથે નર્મદા નદીમાં ક્રૂઝનો આ અનોખો અનુભવ પ્રવાસીઓની મુલાકાતને વધુ યાદગાર બનાવશે અને રાજ્યના પ્રવાસન તેમજ સ્થાનિક રોજગારીને નવો વેગ આપશે.