ગુજરાતમાં પોલીસ ખાતામાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા હજારો યુવાનો માટે એક ખુશખબર અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટેકનિકલ અને મોટર ટ્રાન્સપોર્ટ કેડરની અલગ-અલગ જગ્યાઓ માટે લેવાનાર લેખિત પરીક્ષાની તારીખ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. નવા અપડેટ મુજબ, આ તમામ પોસ્ટ માટેની લેખિત પરીક્ષા આગામી 23 ઓગસ્ટ, 2026 ના રોજ અમદાવાદ શહેરના વિવિધ કેન્દ્રો પર યોજાવા જઈ રહી છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા માટે ફોર્મ ભર્યા છે, તેઓ આગામી 17 ઓગસ્ટથી પોતાના કોલ લેટર ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે. બોર્ડ દ્વારા પરીક્ષા વ્યવસ્થાથી લઈને કોમન ઉમેદવારો માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે.
ચાલો પહેલા જાણી લઈએ કે આ લેખિત પરીક્ષા કઈ પોસ્ટ અને કેટલી જગ્યાઓ માટે લેવાશે. પોલીસ ભરતી બોર્ડની જાહેરાત મુજબ, 4 અલગ-અલગ પોસ્ટ માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે:
જાહેરાત ક્રમાંક 2: પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI – વાયરલેસ) ની 172 જગ્યાઓ અને ટેકનિકલ ઓપરેટરની 698 જગ્યાઓ.
જાહેરાત ક્રમાંક 3: પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI – મોટર ટ્રાન્સપોર્ટ) ની 35 જગ્યાઓ.
જાહેરાત ક્રમાંક 4: હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-1) ની 45 જગ્યાઓ.
17 ઓગસ્ટથી ડાઉનલોડ કરી શકાશે કોલ લેટર
પરીક્ષા માટેના કોલ લેટર 17 ઓગસ્ટ 2026 ના રોજ બપોરે 2:00 વાગ્યાથી સરકારની સત્તાવાર વેબસાઇટ OJAS (https://ojas.gujarat.gov.in) પર મૂકવામાં આવશે, જ્યાંથી ઉમેદવારો તેને સરળતાથી ડાઉનલોડ કરી શકશે.
આ સાથે જ બોર્ડે ઉમેદવારોની સુવિધા માટે એક ખૂબ જ સારો નિર્ણય લીધો છે. જે ઉમેદવારોએ PSI (મોટર ટ્રાન્સપોર્ટ) અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-1) એમ બંને અલગ-અલગ પોસ્ટ માટે અરજી કરી છે, તેમને પરીક્ષાના દિવસે બે અલગ જગ્યાએ ધક્કા નહીં ખાવા પડે. આવા ઉમેદવારો બંને પરીક્ષા એક જ પરીક્ષા કેન્દ્ર (એક જ શાળા) ખાતે આપી શકે તેવી ખાસ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
