દક્ષિણ ગુજરાતમાં વીજ સંકટ વચ્ચે રાહતના સમાચાર
સરકાર દ્વારા દક્ષિણ ગુજરાતમાં વીજ કાપનો નિર્ણય રદ્દ
સાંજે 4થી રાત્રિના 12 સુધી વીજકાપનો અમલ રહેશે નહીં
નવા નિર્ણય મુજબ તમામ ફીડર રાબેતા મુજબ ચાલુ રહેશે
રાજ્યમંત્રીએ સરકારના નિર્ણયને આવકારદાયક ગણાવ્યો
ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો મોટી રાહત : ઈશ્વર પટેલ
ઉર્જા સંકટના એંધાણ વચ્ચે સરકાર દ્વારા દક્ષિણ ગુજરાતમાં 8 કલાકના વીજ કાપનો નિર્ણય રદ્દ કરવામાં આવતા રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઇશ્વર પટેલએ આવકારદાયક પગલું ગણાવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં વીજ સંકટ વચ્ચે DGVCL’એ ગ્રાહકોને મોટી રાહત આપી છે. વીજ કંપનીએ અગાઉ જાહેર કરેલો 8 કલાકનો વીજકાપ રદ કર્યો છે. સાંજના 4 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધીનો વીજકાપ હવે અમલમાં રહેશે નહીં. અગાઉ ‘સ્ટેગર ડે’ મુજબ વીજકાપ જાહેર કરવામાં આવ્યો હતો.
જોકે, હવે નવા નિર્ણય અનુસાર તમામ ફીડર રાબેતા મુજબ ચાલુ રહેશે, અને વીજ પુરવઠો જાળવવામાં આવશે, ત્યારે ઉર્જા સંકટના એંધાણ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વીજ કાપ પરત લેવામાં આવતા રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઇશ્વર પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યુ હતું કે, ઉદ્યોગોમાં ઉત્પાદન ઠપ્પ ન થાય અને રોજગારીનો પ્રશ્ન ન ઉદ્ભવે તે માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને લેવાયેલ નિર્ણયને રાજ્યમંત્રીએ આવકારદાયક ગણાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉદ્યોગો સાથે સંકળાયેલા કર્મચારીઓ અને શ્રમિકોને સરકારના આ નિર્ણયથી મોટી રાહત થઈ છે.
