અમદાવાદ મહાનગરપાલિકાએ ફ્લાવર શોને લઇને કર્યો મહત્વનો નિર્ણય, ફ્લાવર શોના સમયમાં કરાયો ફેરફાર

Update: 2024-01-01 03:53 GMT

અમદાવાદ મહાનગરપાલિકાએ ફ્લાવર શોને લઇને મહત્વનો નિર્ણય કર્યો હતો. હવે અમદાવાદમાં ફ્લાવર શોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રવિવારના મોટી સંખ્યામાં નાગરિકો આવતા મહાપાલિકાએ નિર્ણય બદલવો પડ્યો છે. હવે ફ્લાવર શો રાત્રિના 11 વાગ્યા સુધી ચાલુ રહેશે એટલે કે રાત્રિના 10 વાગ્યા સુધી આવનારા નાગરિકોને ફ્લાવર શોની એન્ટ્રી ટિકીટ મળશે.

આ મુલાકાતીઓ રાત્રિના 11 વાગ્યા સુધી ફ્લાવર શો નિહાળી શકશે. અગાઉ મહાપાલિકાએ નિર્ણય કર્યો હતો કે રાત્રિના 9 વાગ્યા સુધી ટિકિટ વિતરણ કરવામાં આવશે અને રાત્રિના 10 વાગ્યે ફ્લાવર શો બંધ કરાશે. જોકે મુલાકાતીઓના સતત ધસારાના કારણે હવે મહાપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો હતો.

અમદાવાદના આ ફ્લાવર શોમાં શહેરીજનોને સરદાર વલ્લભભાઈ પટેલ, નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્યમંદિરની અને વિક્રમ લેન્ડર-ચંદ્રયાન 3ની પ્રતિકૃતિ જોવા મળી રહી છે જેને અલગ જ આકર્ષણ ઉભુ કર્યું છે. શોમાં ઓલમ્પિક, વડનગર તોરણની થીમથી મુખ્ય પ્રવેશદ્વાર બનાવાયો છે જ્યારે બાળકો માટેના કાર્ટૂન કેરેક્ટર, વાઇબ્રન્ટ ગુજરાત, પતંગિયા, સાત ઘોડાની પ્રતિકૃતિ, જેવી વિવિધ પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો-2024’ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. એ ઉદઘાટન બાદ મુખ્ય મંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લાવર શોનાં વિવિધ આકર્ષણો નિહાળ્યાં હતાં. અનેકવિધ સ્કલ્પચરને મુખ્ય મંત્રી સહિત સૌએ બિરદાવ્યા હતા.

Tags:    

Similar News