અમરેલી : ભવ્ય જીતના ઉન્માદમાં નિકળ્યું ભાજપનું વિજય સરઘસ, સાંસદ સહિતના નેતાઓએ કોવિડ ગાઈડલાઇનના ઉડાવ્યા ધજાગરા

Update: 2021-03-04 10:22 GMT

અમરેલી જિલ્લામાં તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થતાં ભાજપનો ભગવો લેહરાયો છે, ત્યારે ભાજપના ભગવા લેહરાવાની ખુશીમાં સાવરકુંડલા ખાતે ભાજપનું વિજય સરઘસ નીકળ્યુ હતું. જોકે એક સમયે વિજય સરઘસના દ્રશ્યો જોતાં કોવિડ ગાઈડલાઇનના ધજાગરા પણ ઊડ્યાં હતા.

સાવરકુંડલા ખાતે નીકળેલા ભાજપના વિજય સરઘસમાં સાંસદ નારણ કાછડીયા, મહેશ કસવાળા, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ભાજપના હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. વિજય સરઘસ દરમ્યાન મોટાભાગની મહિલા કાર્યકર્તાઓ માસ્ક વગર જ ગરબે ઘૂમતી જોવા મળી હતી. તો સાથે જ સરઘસમાં મોટાભાગના નેતાઓ માસ્ક પહેરવાનું પણ ભૂલ્યા હતા. જોકે સામાન્ય લોકોને માસ્ક ન પહેરવા બદલ એક-એક હજાર રૂપિયાનો દંડ ફટકારતી અમરેલી પોલીસે જાણે આંખ આડા કાન કર્યા હોય તેવી સ્થિતિ ઉદ્દભવી હતી.

જેમાં રસ્તા પર નીકળેલા વિજય સરઘસમાં પોલીસની નજર સામે જ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. પાલિકા-પંચાયતની ચૂંટણી બાદ રાજ્યભરમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં આ પ્રકારની બેદરકારીના કારણે હવે કોરોના સંક્રમણ વધવાની પણ શક્યતા વર્તાઇ રહી છે.

Tags:    

Similar News