ભરૂચ : નલધરી ગામ નજીક 3 ગાયને વીજ કરંટ લાગતા એક ગાયનું ઘટના સ્થળે નીપજ્યું કરુણ મોત

Update: 2021-03-05 10:13 GMT

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના નલધરી ગામ નજીક વીજ કંપનીની લાપરવાહીના કારણે 3 જેટલી ગાયોને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં એક ગાયનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજયું હતું.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના નલધરી ગામની સીમમાં બંધ પડેલ પેટ્રોફીલ્સ કંપની નજીક વીજ કંપનીની લાપરવાહીના કારણે ગતરોજ 3 જેટલી ગાયોને વીજ કરંટ લાગતા એક ગાયનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજયું હતું. જોકે નજીકમાં હાજર લોકોએ ગાયને તરફડી માંરતાં જોઇ અન્ય ગાયનો જીવ બચાવ્યો હતો.

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની લાપરવાહીના કારણે વાલીયા તાલુકાના નલધરી ગામની સીમમાં જીવતા વીજ વાયરો તૂટી પડ્યા હતા. ઓકે વાયરમાં વીજ પ્રવાહ ચાલુ રહેતા ત્યાંથી પસાર થતી 3 જેટલી ગાયોને વીજ કરંટ લાગતા એક ગાયનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજયું હતું, ત્યારે અહીંથી પસાર થતા એક ટ્રેક્ટર ચાલકે ટ્રેકટર થોભાવી ટ્રેકટરમાં સવાર મજૂરો ઘટના સ્થળે દોડી જઇ અન્ય ગાયને બચાવી લીધી હતી. જોકે અહીંથી પસાર થતા અન્ય કોઈ આ જીવતા વીજ વાયરની જપેટમાં આવી જાય તો મોટી કરુણાંતિકા સર્જાઇ હોત.

આ અંગે પશુપાલક લાલા ભરવાડે જણાવ્યું હતું કે, ગાયને કરંટ લાગ્યો અને તે મૃત્યુ પામી બાદ પાછળથી એક ટ્રેક્ટર આવી રહ્યું હતું. જેમાં 20થી 25 મજૂરો સવાર હતા તેના ચાલકે ગાયના મૃતદેહને જોતા જ બ્રેક મારી દીધી અને મોટી દુર્ઘટના ટળી હતી. સમગ્ર બનાવ અંગે સ્થાનિક રહીશોએ ભારે ઊહાપોહ કરતાં વીજ કંપનીના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ગાયનું મોત થતા પશુપાલકે વીજ કંપનીની લાપરવાહીના કારણે ગાયનું મોત થયું હોવાના આક્ષેપ સાથે વળતરની માંગણી કરી હતી.

Tags:    

Similar News