ભરૂચ : જનતા કરફયુનો સદઉપયોગ, લોકોએ પરિવાર સાથે વીતાવ્યો સમય

Update: 2020-03-22 08:28 GMT

કરફયુ શબ્દને ભરૂચવાસીઓથી બહેતર કોઇ સમજી શકે તેમ નથી. રવિવારના રોજ ભરૂચમાં ફરી એકવાર કરફયુમય માહોલ જોવા મળ્યો હતો. પણ આ વખતે તોફાનોના કારણે નહિ પણ કોરોના વાયરસ સામેની લડાઇ માટે ભરૂચવાસીઓએ સ્વયંભુ બંધ પાળ્યો હતો.

પાવન સલિલા મા નર્મદાના તટે વસેલી ભૃગુઋુષિની પાવનધરા ભરૂચમાં પણ કોરોના વાયરસની મહામારી સામે અભુતપુર્વ એકતા જોવા મળી હતી. ભુતકાળમાં ભરૂચ શહેરમાં અનેક વખત કરફયુ લાગી ચુકયો છે પણ રવિવારે અલગ જ પ્રકારનો કરફયુ જોવા મળ્યો હતો. ભરૂચવાસીઓએ નાત, જાત, ધર્મ અને ભેદભાવ ભુલી એકબીજા સાથે ખભેખભા મિલાવીને સ્વયંભુ રીતે બંધ પાળી જનતા કરફયુનું સમર્થન કર્યું હતું. ઝાડેશ્વર ચોકડીથી જંબુસર ચોકડી સુધીની તમામ દુકાનો બંધ રહી હતી. રસ્તાઓ પણ સુમસાન ભાસતા હતાં.

દરેક ભરૂચવાસી પોતાના ઘરોમાં પરિવાર સાથે સમય વીતાવતા જોવા મળ્યાં હતાં. ઘરમાં જ આનંદ પ્રમોદની પ્રવૃતિઓ કરી લોકોએ જનતા કરફયુમાં પોતાનો સહયોગ આપ્યો હતો. ભરૂચના દશાશ્વમેઘ સ્મશાન ખાતે પણ એક પ્રેરણાદાયી કિસ્સો જોવા મળ્યો હતો. મૃતકની અંતિમયાત્રામાં ભીડભાડ ન થાય તે માટે જુજ સંખ્યામાં ડાઘુઓએ આવી અંતિમક્રિયા કરી હતી. ડાઘુઓનો આવો ઉમદા પ્રયાસ કોરોના વાયરસને હરાવવા માટે પુરતો કહી શકાય તેમ છે. દરેક વ્યકતિ જાગૃત બનશે તો આપણે પોલીયોની બિમારીની જેમ કોરોનાને પણ દેશવટો આપી શકીશું તે વાત ચોકકસ છે. કનેકટ ગુજરાત પરિવાર તરફથી સો ભરૂચવાસીઓના જોમ અને જુસ્સાને દીલથી સલામ કરવામાં આવે છે.

Similar News