ભાવનગર : નૌસેનાની તાકાત ગણાતું વિમાનવાહન જહાજ વિરાટ હવે બનશે ભુતકાળ

Update: 2020-09-28 11:56 GMT

ભારતીય નૌસેનાની તાકાત ગણાતાં અને 30 વર્ષથી સેવામાં રહેલાં આઇએનએસ વિરાટ આખરે ભંગારવાડા ખાતે પહોંચી ગયું છે. અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ ખાતે શીપને તોડવામાં આવશે.

ભારતનું ઐતિહાસિક વિમાન વાહક યુદ્ધ જહાજ, વિરાટ આજે અલંગની જમીન પર આવી પહોંચ્યું હતું. દરિયામાં આવેલી મોટી ભરતીમાં અલંગ ખાતે આવેલા પ્લોટ નં.9માં બીચ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવશે.બીચિંગના અવસર પર કેન્દ્રીય શિપિંગમંત્રી મનસુખભાઈ માંડવિયા, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, મંત્રી વિભાવરીબેન દવે, GMBનાં વાઈસ-ચેરમેન અવંતિકાસિંઘ અને નેવીના અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.

વિરાટ જહાજના અંતિમ ખરીદનાર શ્રીરામ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે આ જહાજ ફક્ત જહાજ નથી, પરંતુ સમગ્ર દેશની સંવેદના તેની સાથે જોડાયેલી છે. યુદ્ધ જહાજ INS વિરાટનો મુદ્રાલેખ હતો "જળમેવ યસ્ય બલમેવ તસ્ય', ગુજરાતીમાં તેનો અર્થ થાય છે પૂરી તાકાતથી સમુદ્ર પર રાજ કરવું અને આ લોગો જ ઘણુંબધું કહી જાય છે.

30 વર્ષ સુધી ભારતીય નૌસેનામાં વિરાટ સામેલ હતું અને તેમાં 1207 ક્રૂ-મેમ્બર, 143 એર ક્રૂ-મેમ્બર મળી 1350ના સ્ટાફ માટે 3 મહિના ચાલે તેટલા રેશનનો જથ્થો, પાણીપુરવઠા માટેના ડિસેલિનેશ પ્લાન્ટ સાથે સજ્જ હતું. ભારતીય નૌસેનામાંથી વિરાટને સેવા નિવૃત્ત કરવામાં આવ્યા બાદ તેને કોચિન શિપયાર્ડ ખાતે હથિયારો, દારૂગોળો, મશીનરી, રડાર, એન્જિન, પ્રોપેલર કાઢી નાખવામાં આવ્યાં હતાં.

Similar News