રાજયમાં બર્ડ ફલુનો પગપેસારો ? સાવલીના વસંતપુરામાં 30 કાગડાના સાગમટે મોત

Update: 2021-01-08 13:29 GMT

ગુજરાતમાં કોરોના બાદ હવે બર્ડ ફલુનો ખતરો મંડરાય રહયો છે. બર્ડ ફલુને ધ્યાનમાં રાખી રાજયભરમાં પશુ આરોગ્ય વિભાગની ટીમો સક્રિય બની છે તેવામાં વડોદરાના સાવલીના વસંતપુરા ગામે 30 કાગડાઓ તેમજ સુરેન્દ્રનગરના લખતર પાસે ઢેલ અને તેતર પક્ષી મૃત હાલતમાં મળતાં લોકોમાં ભય ફેલાયો છે.

સાવલી તાલુકાના વસંતપુરા પંથકમાં ગુરૂવારે સાંજના સમયે 30 જેટલા કાગડાઓ ભેદી સંજોગોમાં મૃત્યુ પામતા ચકચાર મચી જવા પામી છે. ગામના સેવાભાવી યુવાનોએ આ મૃતક કાગડાઓને ભેગા કરીને મીઠું ભભરાવીને ખાડામાં દાટી દીધા છે.વસંત પુરા ગામના સરપંચ અલ્પેશ રાયના જણાવ્યા પ્રમાણે સાંજના સમયે આશરે 30 જેટલા કાગડાઓ ભેદી સંજોગોમાં મૃત્યુ પામતા સમગ્ર ગામમાં સન્નાટો મચી જવા પામ્યો છે અને ગ્રામજનોએ આ કાગડા ઓને બર્ડ ફલુની આશંકા એ દાટી દીધા છે અને કદાચ આ ભેદી રોગ સાવલી તાલુકામાં પ્રવેશ કરી ચુક્યો હોય તેવી આશંકા વ્યક્ત કરી છે. બનાવની જાણ થતાં જિલ્લાપંચાયતના પશુ ચિકીત્સક, પશુ ધન નિરીક્ષક તેમજ પશુરોગ સંશોધન એકમની ટીમ યુધ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી.વન વિભાગ સાથે સંકલન કરી મૃતપ્રાય કાગડાઓના નમુના તપાસ માટે ભોપાલ મોકલાયાં છે.

વડોદરાના વસંતપુરા બાદ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર નજીકથી ઢેલ તથા તેતર પક્ષી મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. તેમના મોત બર્ડ ફલુના કારણે થયાં હોવાની શકયતાને ધ્યાનમાં રાખી વન વિભાગ તથા પશુ ચિકિત્સા વિભાગે તપાસ હાથ ધરી છે.

ભરૂચ જિલ્લામાં પણ પશુ ચિકિત્સા વિભાગ તકેદારીના તમામ પગલાં ભરી રહયું છે. બર્ડ ફલુનો પગપેસારો રોકવા માટે ચીકનનું વેચાણ કરતી દુકાનો તથા પોલ્ટ્રીફાર્મમાં તપાસ હાથ ધરવામાં આવી છે. દુકાન તથા પોલ્ટ્રીફાર્મ સંચાલકોને પક્ષીઓના મોત થાય તો તુરંત અધિકારીઓને જાણ કરવાની તાકીદ કરવામાં આવી છે..


સુરત જિલ્લામાં પણ બર્ડ ફલુની આશંકા સેવાય રહી છે. બારડોલીના મેમણ કબ્રસ્તાન પાસે પણ પક્ષીઓના સાગમટે મોત થવાની ઘટના સામે આવી છે. સંભવિત બર્ડ ફલુ હોવાની શકયતાને ધ્યાનમાં રાખી વધુ તપાસ કરવામાં આવી રહી છે..

Tags:    

Similar News