દાહોદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વચ્ચે AAPનું કાર્યકર્તા સંમેલન યોજાયું, દિલ્હીના ધારાસભ્યની વિશેષ હાજરી

Update: 2020-12-22 07:13 GMT

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે દિલ્હીના ધારાસભ્યની હાજરીમાં આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું.

કોરોના મહામારીના કારણે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ત્રણ મહિના માટે લંબાવવામાં આવી હતી, જ્યારે હવે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી ચુક્યા છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને ત્રીજા પક્ષનો વિકલ્પ બનીને આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઝંપલાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે.

રાજ્યભરના અનેક જિલ્લા અને તાલુકાઓમાં આમ આદમી પાર્ટી પોતાના કાર્યકર્તાઓ સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પોતાના ઉમેદવારો ઉભા રાખવાની તનતોડ મહેનત કરી રહી છે, ત્યારે દિલ્હીના ધારાસભ્ય અને ગુજરાત આમ આદમી પાર્ટીના સહપ્રભારી ગુલાબસિંહ યાદવ મધ્ય ગુજરાતના પ્રભારી રોમી ભાટી અને મધ્ય ગુજરાતના સંગઠન મંત્રી અર્જુન રાઠવાની વિશેષ ઉપસ્તિથીમાં દેવગઢ બારીયા ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ તાલુકાઓમાંથી આવેલા 50 જેટલાં કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ અપાયો હતો. દિલ્હીના ધારાસભ્યએ 50 જેટલાં કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીની ટોપી પહેરાવી પાર્ટીમાં પ્રવેશ આપ્યો હતો.

દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવે હાજર કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું કે, આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસની મીલીભગતની રાજનીતિને જડમૂળમાંથી ઉખાડી ફેંકવાની હાંકલ કરી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોની ચૂંટણીમાં જીતાડી અને દિલ્હી મોડલને ગુજરાતમાં લાગુ કરાવી વીજળી, પાણી, આરોગ્ય તેમજ શિક્ષણ દરેક લોકોને મફતમાં મળે તે માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે અપીલ કરાઈ હતી, ત્યારે જનસભામાં દાહોદ જિલ્લાના વિવિધ તાલુકામાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Tags:    

Similar News