દાહોદ : ઝાલોદના ઘોડીયા ગામે EVMમાં થઇ હતી તોડફોડ, જુઓ બીજા દિવસે ગામમાં શું થયું

Update: 2021-03-01 08:15 GMT

હવે વાત કરીશું દાહોદના ઘોડીયા ગામની કે જયાં ગઇકાલે મતદાન દરમિયાન બુથ કેપ્ચરીંગના પ્રયાસમાં બે ઇવીએમ તોડી નાંખવામાં આવ્યાં હતાં. ઘોડીયા ગામના જે બુથમાં ઘટના બની હતી ત્યાં આજે સોમવારના રોજ કલેકટર અને એસપી સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમાં ફેર મતદાન કરાવવામાં આવ્યું છે.

ઝાલોદ તાલુકાના ઘોડિયા પ્રાથમિક શાળામાં રવિવારના રોજ મતદાનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન બપોરના સમયે કેટલાક લોકોએ ધસી આવી બુથ કેપ્ચરીંગનો પ્રયાસ કર્યો હતો. આ લોકોએ બુથમાં રહેલાં બે ઇવીએમને કુહાડીથી તોડી નાંખ્યાં દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજ્ય ચૂંટણીપંચને આ બુથ પર ફેરમતદાન કરાવવામાં આવે તેવી રજુઆત કરી હતી. રાજ્ય ચૂંટણી પંચે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની વગેલા જિલ્લા પંચાયત અને જાફરપુરા તાલુકા પંચાયતના ૧૦૨૬ મતદારો વચ્ચે એક બુથ ઉપર ફેર મતદાન કરવાની જાહેરાત કરી હતી.

સોમવારે સવારે ૭ વાગ્યાથી મતદારો ફરીથી ઉત્સાહ પૂર્વક લોકશાહીના પર્વમાં જોડાયા હતા જયારે ઘોડિયા બુથને પોલીસ છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા પોલીસવડા હિતેશ જોયસર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં તથા બીએસએફ અને સ્થાનિક પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ફેરમતદાન થયું હતું. ગઈ કાલની ઇવીએમ તોડી નાખવાની ઘટનામાં એક આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો તે આરોપીને ગઈ કાલે સ્થાનિક લોકોએ માર માર્યો હોવાના કારણે હાલમાં આરોપી હોસ્પિટલમાં સારવાર અર્થે છે જેથી પોલીસે તેની વધુ પૂછપરછ કરી શકી નથી. ગઇકાલની ઘટના બાદ ઘોડીયા ગામમાં શાંતિપુર્ણ રીતે મતદાનની કાર્યવાહી થઇ હતી.

Tags:    

Similar News