ભાવનગર : જીવનરક્ષક સાબિત થઈ 108ની સેવા, જોડિયા નવજાત શિશુને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપીને નવજીવન આપ્યું

Update: 2021-08-19 13:07 GMT

૧૦૮ની સેવા દ્વારા રાજ્યમાં અનેક લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. તે પછી અકસ્માત હોય કે, આકસ્મિક પ્રસૂતિ.... કોઈપણ વિપરીત અને અણધાર્યા સંજોગોમાં સૌથી પહેલાં પહોંચી જઈને બચાવની કામગીરી કરનાર હોય તો તે ૧૦૮ની સેવા છે. આ સેવાને લીધે ગુજરાતના અનેક લોકોના જીવ બચાવવામાં સફળતા મળી છે.

આવો જ એક કિસ્સો ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સુરનગર ગામમાં બન્યો કે, જ્યાં લતા કાર નામની ૩૧ વર્ષની સગર્ભા માતાને રાત્રીના ૧૧-૦૦ વાગ્યાના સુમારે પ્રસૂતિની પીડા ઉપાડતાં ગારીયાધાર ૧૦૮નો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ અંગેની જાણ થતાં જ ગારીયાધાર ૧૦૮ના ઇ.એમ.ટી. જગદીશ ડાભી અને પાયલોટ સંદીપસિંહ સોઢા ગણતરીની મિનિટોમાં જ ગારીયાધાર તાલુકાના સુરનગર ગામે પહોંચી ગયા હતાં. તે સમયે રાત્રિના ૧૧-૦૦ વાગ્યા હતા.

ચારે તરફ અંધકાર અને બીજી તરફ પ્રસૂતાનો ચિત્કાર... કંઈક અણધાર્યું બનાવવાનો સંકેત આપી રહ્યો હતો. પરંતુ જેનું નામ ૧૦૮ની સેવા છે, એવી સ્વાસ્થ્ય સેવાના એમ્બ્યુલન્સમાં રહેલ સ્વાસ્થ્ય સેવકોએ પ્રાથમિક તપાસ કરતાં સગર્ભા માતાનો દુઃખાવો વધારે અને અસહનીય હોવાં સાથે જોડાયા બાળકો હોવાનું માલુમ પડ્યું. આ ઉપરાંત પ્રસૂતિની પીડા અને ખાસ્સો સમય થયો હોવાથી અને ટ્વીન્સ બાળકો હોવાને કારણે પ્રથમ બાળકનું માથું ગર્ભાશયની બહાર આવી ગયું હતું.

બાળકનો માથાનો ભાગ બહાર આવી ગયો હોવાથી ડિલિવરી ત્યાં જ કરાવવી પડે તેવી સ્થિતિ હતી. સગર્ભાને હોસ્પિટલ પહોંચાડવામા આવે તો રસ્તામાં જ સગર્ભા અને તેના બંને બાળકો પર જીવનું જોખમ બને તેમ હતું. આ સંજોગોમાં ૧૦૮ના સ્ટાફે ત્યાં સ્થળ પર જ સગર્ભા માતાને ૧૦૮ એમ્બ્યુલન્સમાં લીધી અને પરિસ્થિતિને અનુલક્ષીને એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી હતી. પરંતુ ડિલિવરીમાં પ્રથમ બાળકનો જન્મ થયા બાદ આ બાળક બિલકુલ હલન-ચલન કરતું નહતું કે, રડતું નહોતું. આ ઉપરાંત બાળકના હૃદયના ધબકારાનો દર પણ ખૂબ નીચો હતો.

આ સંજોગોમાં બાળકનું જીવન જોખમમાં મુકાયું હતું. તેથી ૧૦૮ના સાથે તાત્કાલિક નિર્ણય લઇ આ બાળકના હદય પર કુત્રિમ દબાણ (CPR) તથા કૃત્રિમ શ્વાસોશ્વાસો(BVM) આપવાનું ચાલુ કર્યું સાથે-સાથે ફોન પર ઈમરજન્સી સેન્ટરમાં બેઠેલા ફિઝીશ્યન ડોક્ટરની સલાહ મુજબ કામ કરવાનું ચાલુ રાખ્યું.

જોકે, સારા કાર્યમાં કુદરત પણ સહાય કરતી હોય છે તેમ આ કિસ્સામાં પણ થોડા સમયમાં જ બાળકનું હૃદય સારી રીતે ધબકવા લાગ્યું. ત્યારબાદની ૨૦ મિનિટ બાદ બીજા બાળકની પણ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવવામાં આવી અને બંને બાળકો સારી રીતે રડવા લાગ્યાં હતાં. આમ, લતાબેનની વેણીમાં એક સાથે બે ફૂલ પાંગર્યા હતાં. આમ, ૧૦૮ની ત્વરિત અને તાત્કાલિક સેવાને કારણે બંને નવજાત શિશુને નવજીવન મળ્યું હતું સાથે-સાથે જોખમી માતાને પણ પ્રસૂતિની પીડામાંથી મુક્તિ અપાવી જીવ બચાવ્યો હતો.

આમ, ૧૦૮ની સેવાને લીધે એક સાથે ત્રણ લોકોનો જીવ બચાવી શકાયો હતો. આ બંને નવજાત શિશુને ત્યારબાદ ઓક્સિજન અને જરૂરી દવા આપીને તેમને વધુ સારવાર માટે નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ગારીયાધાર ખસેડવામાંમાં આવ્યાં હતાં. ફરજ પરના ડૉ. પાર્થ દ્વારા તપાસ કર્યા બાદ બંને બાળકો અને સગર્ભા સ્વસ્થ હોવાથી પુષ્ટિ કરી અને હાલમાં માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે. ત્યારબાદ બંને બાળકો અને ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની જરૂરી તપાસ માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે બાળકોના તજજ્ઞ ડોક્ટરને બતાવવા માટે લઈ જવામાં આવ્યાં હતાં અને જરૂરી સારવાર તથા દવાઓ આપવામાં આવી હતી.

આ ક્ષણે સગર્ભા માતાના પરિવારજનો સરકારશ્રીની યોજનાનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે, જો આજે ૧૦૮ની સેવા ન હોત તો અમે અમારી પુત્રવધુ અને સાથે સાથે તેના બે કુમળા બાળકોને પણ ગુમાવી બેઠા હોત અને જો તેવું થયું હોત તો અમે અમારી જાતને કોઈ દિવસ માફ ન કરી શકત, તે સાથે સમાજને અને પુત્રવધુના પરિવારને અમે શું જણાવ્યું હોત...??? તેની કલ્પના જ ખૂબ ભયાનક લાગે છે તેમ તેમણે અહોભાવ ભાવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું. આમ, સરકારની નિઃશૂલ્ક ૧૦૮ એમ્બ્યુલસ સેવા એક કોલ પર ત્વરીત મળી રહે છે સાથે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના સહકાર સાથે અનેક લોકોના જીવ બચાવી શકાયાં છે.

ખરા અર્થમાં ૧૦૮ની સેવા માતામૃત્યુ દર અને બાળમુત્યુ દર ઘટાડવામાં ૧૦૮ની સેવા અગત્યની ભૂમિકા ભજવી રહી છે. જિલ્લાની કોઈ પણ મેડિકલ ઇમર્જન્સીને પહોંચી વળવાં માટે તાલીમબદ્ધ કર્મચારીઓથી સુસજ્જ એવી ભાવનગર જિલ્લાની ૧૦૮ ની સેવા હંમેશા તત્પર અને કટિબદ્ધ રહે છે તેમ ૧૦૮ સેવાના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધેએ જણાવ્યું હતું.

Tags:    

Similar News