રેસીડેન્ટ તબીબોની હડતાલ ગેરવ્યાજબી; તબીબો ફરજ ઉપર હાજર નહીં થાય તો થશે કાર્યવાહી: DyCM નીતિન પટેલ

Update: 2021-08-06 06:50 GMT

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજયની સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોનાં રેસિડેન્ટ ડૉક્ટર્સની ચાલી રહેલ હડતાળ તદ્દન ગેરવ્યાજબી અને કોઇપણ યોગ્ય કારણો વગર કરીને દર્દીઓને હાલાકી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે આવા તમામ તબીબો દર્દીઓની સેવા કરવી તે પોતાની નૈતિક ફરજ સમજી પોતાની ફરજ પર તાત્કાલિક હાજર થઈ જાય. અન્યથા રાજ્ય સરકાર દ્વારા એપેડેમિક એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારની બોન્ડ નીતિ સ્પષ્ટ છે, જેમાં સ્નાતક તેમજ અનુસ્નાતક વિધાર્થીઓને પ્રવેશ સમયે આપેલ બોન્ડની શરતો મુજબ એક વર્ષ/ત્રણ વર્ષની ગ્રામ્ય વિસ્તારમાં સેવાઓ આપવાની થાય છે. આ વિદ્યાર્થીઓ સરકારી મેડીકલ કોલેજ ખાતે પ્રજાનાં જ નાણાં થકી બિલકુલ નજીવી ફી થી અભ્યાસ મેળવે છે. ત્યારબાદ આ અભ્યાસક્રમ પૂર્ણ થયેથી રાજ્યના છેવાડાના નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ આપવી તેઓની ફરજ છે.

રાજ્ય સરકાર દ્વારા તમામ બોન્ડેડ તબીબોને કોવિડ સમયે ફરજ અન્વયે વધારાના લાભો આપવામાં આવ્યાં હતાં. છેલ્લે તા.12.04.2021 ના રોજ કરેલ ઠરાવની મુદત તા. 31.07.2021 ના રોજ પૂર્ણ થતાં તથા રાજ્યમાં જૂજ સંખ્યામાં કોવિડના કેસોની સંખ્યાને ધ્યાને લઇને રાજ્યની ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓની સારવાર માટે ઘણી મોટી સંખ્યામાં તબીબોની જરૂરિયાત છે ત્યારે તેઓને રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં બોન્ડ મુજબ સેવા આપવા માટે તા. 01.08.2021 થી ગ્રામ્ય વિસ્તારમાં રાજ્ય સરકારે બોન્ડેડ તબીબ તરીકે સેવા આપવા માટે આદેશો કરવામાં આવ્યા છે. જે બોન્ડેડ પીજી તબીબને બોન્ડ મુક્ત થવું હોય તો જે મેડીકલ કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો હોય ત્યાં નિયત થયેલ બોન્ડની રકમ જમા કરાવી બોન્ડ મુક્ત થઇ શકે છે.

પટેલે વધુમાં ઉમેર્યુ હતું કે, તબીબી સેવા એ સમાજની એક ઉમદા સેવા છે. આ હડતાળ ગેરકાયદેસર તથા કોઇપણ પ્રકારના કારણો સિવાયની છે. ત્યારે આ તબીબો પોતાની નૈતિક ફરજ સમજીને ગુજરાતની પ્રજાને આરોગ્ય વિષયક સેવાઓ આપી તેમના સરકારે નિયત કરેલા ફરજના સ્થળે તાત્કાલીક હાજર થઈ જાય.

Tags:    

Similar News