અલૌકિક કલાનાં સાધક સાધુ બાલ કિશન દાસજી

Update: 2016-03-08 07:09 GMT

સંન્યાસાશ્રમ દરમ્યાન એક – એકથી ચઢિયાતા દેવીદેવતાઓના ચિત્રો દોરી રહયા છે.

અંકલેશ્વરનાં પવિત્ર રામકુંડતીર્થ ખાતે ત્રણ વર્ષથી વસવાટ કરતા સાધુ બાલકિશન દાસ સન્યાસાશ્રમ દરમ્યાન એક – એકથી ચઢિયાતા દેવીદેવતાઓના ચિત્રઓ દોરી અલૌકિક કલા સાધના કરી રહયા છે.

બાલ કિશન દાસ નખશીખ ચિત્રકાર છે. તેમનાં ચિત્રોમાં રંગો અને દેવીદેવતાઓનાં કંડારેલા પાત્રોમાં અજબની જીવંતતાનો અહેસાસ થાય છે. મૂળ ઉત્તર પ્રદેશનાં ઝાંસીના વતની આ ચિત્રકાર આમ તો ૧૯૭૭માં મિકેનીકલ એન્જીનિયર બન્યા હતા, પ્રારંભમાં રેલવેમાં વર્કશોપ ટ્રેનીંગ કરી પરંતુ રેલવેમાં નોકરી ન મળતા પોતાનાં ધર્મગુરૂ સમક્ષ પોતાની પીડા દર્શાવતા તેમના ગુરૂએ જણાવ્યુ હતુ કે તમે કલાકારીગરી અર્થે જન્મ્યા છો, ચિત્રકાર બનો અને ગુરૂની પ્રેરણાથી તેઓએ આજીવન “પેઈન્ટર” તરીકે જીવન વ્યતિત કરવાનો નિર્ણય લીધો.

માનસિક ગળગુંથીમાં આધ્યાત્મિકતાનાં પીંડ રોપાયેલા હોય બાલકિશન દાસના કલા જગતમાં દેવી દેવતા અને આધ્યાત્મિકતાની છાંટ ઉપસી આવે છે. તેઓના બેનમુન આધ્યાત્મિક ચિત્રોની પ્રદર્શની ગ્વાલીયર, ઝાંસી, અયોધ્યા, મથુરા, વૃંદાવન તેમજ દેશનાં અનેક ધાર્મિક મંદિરોમાં મુકાય છે. અત્યાર સુધી તેમનાં ચિત્રો બદલ તેઓને સરકાર તેમજ વિવિધ સંસ્થાઓ થકી ૧૫ જેટલો એવોર્ડસ પણ મળ્યા છે.

બાલ કિશન દાસે કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે તેઓ ચિત્રકાર તરીકે અવતર્યા છે અને ચિત્રકાર થકીજ પંચમહાભુતમાં સમાય જશે. છેલ્લા ત્રણ વર્ષથી રામકુંડ તીર્થ ભુમી ખાતે તેઓ વિવિધ ચિત્રોનું સર્જન કરી રહયા છે.

તેઓએ કેન્વાસ પેઈન્ટીંગ , વોટર કલર પેઈન્ટીંગ, ડોડપેન પેઈન્ટીંગ, બોલપેન પેઈન્ટીંગ, નારિયેળ, માટલી તથા પીપળાના પાન, બીજપત્ર સહિત વિવિધ વસ્તુઓ ઉપર બેનમુન ચિત્રો તૈયાર કરી રહયા છે. બાલકિશન દાસ મૂળે કલાના સાધક બનીને રહયા છે, ચિત્રકાર ઉપરાંત તેઓ શબ્દોના પણ સ્વામી છે. તેઓ અચ્છા શાયર પણ છે, તેમનો એક શેર – “ પરિન્દે ભી નહીં રહે તે આશિયાનો મેં, હમારી ઉમ્ર ગુજરી હે કિરાયે કે મકાનો મેં”

તેમના ચિત્રોમાં જે ગહનતા જે માધુર્ય અને જે ઉંડાણ જોવા મળે છે. તેજ ઉંડાણ તેમના શેર થકી તેમનાં જીવન શૈલી અને તેમની વૈચારિક માનસિકતામાં પણ સાંભળવા મળે છે.

Similar News