જુનાગઢ : મહાશિવરાત્રી મેળાનો કરાયો પ્રારંભ, હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ તળેટી ગુંજી ઉઠી

Update: 2021-03-07 09:53 GMT

જુનાગઢ ખાતે સંતો-મહંતોની હાજરીમાં ભવનાથ મંદિરે ધજા ચઢાવીને પરંપરાગત મહાશિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ તળેટીનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી શ્રદ્ધાળુઓને ઘરે બેઠા જ શિવ આરાધના કરવા માટે પણ સ્થાનિક સાધુ-સંતોએ અપીલ કરી છે.

જુનાગઢ ખાતે ગિરનારની ગોદમાં ભવનાથ મંદિરના પટાંગણમાં યોજાતા મહાશિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. હર હર મહાદેવ અને જય ભોલેનાથના જયઘોષ સાથે ભવનાથ તળેટીનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, ત્યારે સંતો-મહંતોની હાજરીમાં ભવનાથ મંદિરે ધજા ચઢાવીને પરંપરાગત મહાશિવરાત્રીના મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેમજ જૂના અખાડા, પંચ દશનામ અખાડા, અગ્નિ અખાડાઓમાં પણ ધજા ચઢાવવામાં આવી હતી. તો સાથે જ નાગા સાધુઓએ ધૂણા ધખાવીને અલખની હેલી જગાવી હતી, ત્યારે હવે આગામી પાંચ દિવસ સુધી સાધુ-સંતો શિવજીની આરાધનામાં મગ્ન બનશે.

જોકે, આ વર્ષે કોરોના મહામારીના કારણે લોકોમાં સંક્રમણ ન વધે તે માટે માત્ર સાધુ-સંતોની ઉપસ્થિતિમાં જ અને સાધુ-સંતો માટે જ અહીના મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. શ્રદ્ધાળુ ઘર બેઠા જ ભવનાથના મેળાના દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. તો સાથે જ શ્રદ્ધાળુઓને ઘરે બેઠા જ શિવ આરાધના કરવાની પણ અપીલ કરવામાં આવી છે.

Tags:    

Similar News