કચ્છ : પંથકના પંજાબી ખેડૂતોએ આંદોલનને લઈને સરકાર સામે રોષ ઠાલવ્યો

Update: 2020-12-13 12:33 GMT

ભારતમાં હાલમાં કિસાન આંદોલન ઉગ્ર બન્યું છે ત્યારે કચ્છમાં ખેતી કરતા પંજાબના ખેડૂતોએ પણ કેન્દ્ર સરકાર સામે બળાપો કાઢ્યો છે, એક ખેડૂતે ત્યાં સુધી કહી દીધું કે, મોદીને અમે દેશ ચલાવવા આપ્યો હતો, વેચવા નહિ, હવે ફરીથી ચાય વેચવાના દિવસો આવી ગયા છે.

હાલમાં સમગ્ર ભારત દેશમાં કિસાન આંદોલનનો મુદ્દો છવાયેલો છે હરિયાણા અને પંજાબના ખેડૂતો કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ દિલ્લીનો ચોતરફી ઘેરાવ કરી લીધો છે, જો કે ગુજરાતમાં વિરોધની કોઈ અસર જોવા મળી નથી, ત્યારે ગુજરાતમાં સરહદી ક્ચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના કોઠારા,વાંકુ,બીટા, સહિતના ગામોમાં ખેતી કરતાં શીખ સમુદાયના ખેડૂતોએ અન્નદાતાઓના આંદોલનને ટેકો આપ્યો છે.

ખેડુતોએ જણાવ્યું કે,કેન્દ્રની સરકાર નવા કાયદાના નામે અદાણી અને અંબાણીને ફાયદો કરાવવા જઇ રહી છે,જેનો અમે સખત વિરોધ કરીએ છીએ માટે કાયદો રદ કરવામાં આવે. કચ્છમાં પણ ભાજપની સરકારે નર્મદાના નીર આપવાના વાયદા કર્યા પણ ખેડૂતોના હિતમાં કોઈ કામ નથી કર્યું,મોદી સરકારે છ વર્ષ મન કી બાત કરી હવે કામની વાત કરે તો સારું, ઉધોગપતિઓને ફાયદો કરાવવા મોદી કૃષિ કાયદામાં ફેરફાર લાવે છે તેનો અમે વિરોધ કરીએ છીએ. કચ્છમાં પાકિસ્તાન તરફથી આવેલા શીખ સમુદાયના ખેડૂતો અબડાસા પ્રાંતમાં રહી ખેતી કરે છે,જોકે ગુજરાત સરકારે આ ખેડૂતો સામે સુપ્રીમમાં કેસ દાખલ કર્યો છે જે મામલો પણ ઉગ્ર બન્યો છે ગુજરાતની રૂપાણી સરકાર સામે પણ ખેડૂતોએ આક્ષેપો કર્યા છે.

Tags:    

Similar News