મહારાષ્ટ્ર : રાજકારણમાં ભારે ગરમાવો, શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકાર રચવા કવાયત

Update: 2019-11-11 12:39 GMT

મહારાષ્ટ્રના રાજકારણમાં સોમવારનો દિવસ મહત્વનો રહયો છે. સરકારની

રચના માટે શિવસેના અને એનસીપી વચ્ચે આખો દિવસ વાટાઘાટોનો દોર જયારે દિલ્હીમાં

કોંગ્રેસે બેઠકોનો દોર ચલાવ્યો હતો.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ ગઠબંધન કરી ઝંપલાવ્યું હતું. ભાજપ અને શિવસેનાની યુતિએ બહુમતીનો આંકડો પણ પાર કરી લીધો છે. પણ શિવસેના મુખ્યમંત્રી પદ માટે અડગ રહેતાં મહારાષ્ટ્રની રાજનિતિમાં કદી ન સર્જાઇ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભાજપ અને શિવસેનાની યુતિ સામે ચૂંટણી જંગમાં ઝંપલાવનારા કોંગ્રેસ અને એનસીપીનો હાથ પકડીને શિવસેના મુખ્યમંત્રી પદ સુધી પહોંચવાનો દાવ ખેલી રહી છે. બીજી તરફ સત્તા મળતી જોઇ એનસીપી અને કોંગ્રેસે પણ રાજકીય ગતિવિધિઓ તેજ બનાવી દીધી છે. અગાઉ રાજયપાલ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું પણ શિવસેના સાથે મનમેળ નહિ થતાં ભાજપે સરકાર રચવાનો દાવો કર્યો ન હતો. બીજી તરફ શિવસેનાને સરકાર રચવા માટેનો દાવો કરવા માટે સોમવારના રોજ સાંજે 7.30 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે.

સોમવારના દિવસે મુંબઇથી લઇ દીલ્હી સુધીના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. એનસીપીના સર્વેસર્વા શરદ પવારે ઉધ્ધવ ઠાકરે સાથે બેઠક યોજી હતી જયારે કોંગ્રેસ હાઇ કમાન્ડે પણ મુંબઇના સ્થાનિક નેતાઓને તાબડતોડ દીલ્હી તેડાવ્યાં હતાં. સોમવારે શિવસેનાએ એનડીએ સાથે છેડો ફાડી દેતાં કેન્દ્રીય મંત્રી અરવિંદ સાવતે કેન્દ્ર સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. મહારાષ્ટ્ર વિધાનસભાની સંખ્યાબળ પર નજર રાખવામાં આવે તો ભાજપના 105 શિવસેના પાસે 56, એનસીપી પાસે 54, કોંગ્રેસ પાસે 44 અને અન્ય 9 ધારાસભ્યો છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થાય તો આ યુતિ બહુમતી માટેના 145ના આંકડાને પાર કરી જશે. બીજી તરફ શિવસેનાના નેતા સંજય રાઉતને અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં તેમને સારવાર માટે લીલાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

Tags:    

Similar News