અમદાવાદ શહેરમાં વધ્યા માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર, જરૂરી સૂચનો સાથે સોસાયટી બહાર લાગ્યા બોર્ડ

Update: 2020-11-25 10:41 GMT

દિવાળી બાદ શહેરભરમાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે, ત્યારે શહેરમાં માઈક્રો કન્ટેન્મેન્ટમાં મુકવામાં આવતાં વિસ્તારમાં પણ વધારો થયો છે. જોકે શહેરમાં કોરોના વાયરસનો કહેર ફરી એકવાર જોવા મળતા તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 45 જેટલા વિવિધ વિસ્તારના 2055 ઘરમાં રહેતાં 7749 લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે, ત્યારે કોરોનના સતત વધી રહેલા કેસ અને માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર પણ વધી રહ્યા છે. તો સાથે એક જ સોસાયટીમાં 35થી 40 જેટલા પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં કન્ટેન્મેન્ટમાં મુકવામાં આવેલા 45 જેટલા વિસ્તારોમાંથી 21 વિસ્તાર પશ્ચિમ અમદાવાદના છે. જેમાં જોધપુર, બોડકદેવ, ચાંદલોડિયા, ઘાટલોડિયા, ચાંદખેડા જેવા વિસ્તારોમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

પૂર્વ અમદાવાદમાં ઓઢવ, ઘોડાસર, ઈસનપુર, વટવા જેવા વિસ્તારોમાંથી પોઝિટિવ કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે અનેક સોસાયટીની બહાર બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે. જેમાં માત્ર ઓફિસ આવવા જવાવાળાને પરવાનગી આપવામાં આવી છે. એ સિવાય કોઈપણ વ્યક્તિ સોસાયટીની બહાર જઈ શકશે નહીં તેવું લખાણ કરવામાં આવ્યું છે.

Tags:    

Similar News