રાજકોટ : મનપાના ડેપ્યુટી કમિશન્નરે હોકી સ્ટીક સાથે નીકળી પડયાં ગોંડલ રોડ પર, જુઓ શું છે કારણ

Update: 2021-01-12 10:10 GMT

રાજકોટના ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં લોકો માસ્ક પહેરતાં ન હોવાની તથા વેપારીઓ દુકાનની આસપાસ ગંદકી ફેલાવતાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. પાલિકા સત્તાધીશો ચુંટણીને ધ્યાનમાં રાખી આંખ આડા કાન કરી રહયાં હતાં પણ હવે મનપામાં વહીવટદારનું શાસન હોવાથી અધિકારીઓની સત્તા વધી છે ત્યારે લોકો નિયમોનું કડક પાલન કરે તે માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરે નવતર અભિગમ અપનાવ્યો છે.

રાજકોટ શહેર તેની ગુનાખોરી માટે પણ જાણીતું છે. છાશવારે મારામારી, હત્યા, આગચંપી, લુંટ સહિતના ગંભીર ગુનાઓના સીસીટીવી ફુટેજ વાયરલ થતાં હોય છે. તમને તમારા સ્ક્રીન પર જે વ્યકતિ દેખાઇ રહયાં છે તે કોઇ ગુનેગાર નથી પણ રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર એ.આર.સિંહ છે. હા તમે બરાબર સાંભળ્યું રાજકોટ નગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર એ.આર.સિંહ…. રાજકોટ સહિત તમામ મહાનગર પાલિકા તેમજ નગરપાલિકામાં નેતાઓનું રાજ પૂર્ણ થતાં અધિકારીઓનું રાજ એટલે કે વહીવટદારનું શાસન શરૂ થઇ ચૂક્યું છે. ત્યારે ફરી એક વખત રાજકોટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ.આર.સિંહ હોકી સ્ટીક લઈને રાજકોટ શહેરના રાજમાર્ગો પર નિકળી પડયા છે. ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીના હાથમાં હોકી સ્ટિક જોઈ સૌ કોઈ અચંબિત થઇ રહ્યા છે.

આજરોજ અગિયાર વાગ્યાના આસપાસ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ.આર.સિંહ હોકી સ્ટીક લઈને રાજકોટ શહેરના ગોંડલ રોડ પર નીકળી પડ્યા હતા ત્યારે તેમને પોતાની સાથે રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગના કર્મચારીઓને પોતાની સાથે રાખ્યા હતાં. તો સાથેજ જાહેર રોડ રસ્તા પર માસ્ક ન પહેરનાર તેમજ જાહેર રોડ રસ્તા પર ગંદકી કરનારા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનારા વ્યક્તિઓને દંડ ફટકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગત મહિને પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આ જ પ્રકારે હોકી સ્ટીક લઈને સવારના ભાગમાં ચેકિંગમાં નીકળ્યા હતા ને તે સમયે ગંદકી કરતાં 116 જેટલા ધંધાર્થીઓને દંડ પણ ફટકાર્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે અમુક લોકો અને ધંધાર્થીઓને સ્વચ્છતા જાળવવાની અપીલ અનેક વખત કરવામાં આવી છે તેમ છતાં તેઓ સમજતા નથી ત્યારે સમાજમાં કેટલાક લોકો એવા પણ હોય છે જેમને લાકડી જોયા સિવાય અન્ય કોઈ વાત મગજમાં ઉતરતી નથી હોતી. ત્યારે સ્વચ્છતા નું પાલન કરાવવા માટે હાથમાં લાકડી કે હોકી સ્ટીક રાખવી જરૂરી બને છે.

Tags:    

Similar News