રાજકોટ : ખેડૂતોએ હાઈવે ઉપર નાંખ્યા શાકભાજી, નોંધાવ્યો વિરોધ

Update: 2018-09-21 11:04 GMT

SPG ગ્રુપ અને ખેડૂતો દ્વારા હાઇવે ઉપર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.

રાજકોટ-ભાવનગર હાઇવે પર મોલિયા મહીંકા ગામના પાટિયા પાસે ખેડુતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. SPG ગ્રુપ અને ખેડૂતો દ્વારા હાઇવે ઉપર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ રસ્તા ઉપર શાકભાજી ફેંકીને વિરોધ દર્શાવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય નહીં લેવાતાં રાજ્યભરમાં ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે.

આ તકે ખેડુતોએ જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખેડૂતોની મશ્કરી કરે છે. લઠાકાંડમાં મરી જાય એને 4 લાખ મળે છે. જ્યારે ખેડૂતોને મૃત્યુ બાદ બાદ 2 લાખ આપવાની વાત સરકાર કરે છે. ત્યારે દારૂબંધીમાં દારૂ પીને મરે તેને 4 લાખ અને મહેનત કરનાર ખેડૂતને 2 લાખ આપવાની વાત ખેડૂતોની ગંભીર મજાક હોવાનું પણ તેમણે કહ્યું હતું. ખેડૂતો આક્રમક બનતા પોલીસ કાફલો દોડી ગયો હતો. અને મહા મહેનતે સમજાવટથી ખેડૂતોને શાંત કરી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.

Similar News