અંકલેશ્વર માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણનાં પ્રથમ સોમવારે ભક્તિરસ છલકાયો

Update: 2017-07-24 07:01 GMT

અંકલેશ્વરની તપોભૂમિ રામકુંડ ખાતે આવેલ માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તિરસમાં ભક્તો તરબોળ બની રહ્યા છે.

તપોભૂમિ અંકલેશ્વર ખાતે સિદ્ધ ટેકરી રામકુંડ સ્થિત પૌરાણિક મંદિર માંડવેશ્વર મહાદેવ ખાતે શ્રાવણ માસના પ્રતિ સોમવાર સવારે લઘુ રુદ્ર, હિંડોળા, વિવિધ રંગોળી, અને ભજન કીર્તન સહિતનાં ધર્મભીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

પાવન સલીલામાં નર્મદાકાંઠે વસેલા અંકલેશ્વર નગરનો ઉલ્લેખ જ્યાં પુરાણોમાં જોવા મળે છે. ત્યાં અનેક ઋષિ મુનિઓ નિવાસ કરી ભગવાન શિવ તેમજ વિષ્ણુની આરાધનામાં લિન બન્યા હતા. પૌરાણિક તીર્થ સ્થળ ખાતે આવેલ માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે ફૂલોના શૃંગાર દર્શનનું આયોજન કરાયુ છે.

31મી જુલાઈના રોજ રંગબેરંગી ચોખાનો શણગાર , 7મી ઓગષ્ટે રંગોળીનો શણગાર, 14મી ઓગષ્ટના રોજ લાકડાના વેરનો શણગાર અને 21મી ઓગષ્ટે ફૂલોનાં શણગાર દર્શનનું આયોજન કરવા આવ્યુ છે.

આ ઉપરાંત પ્રતિ સોમવારે વહેલી સવારે લઘુ રુદ્ર યજ્ઞનું તેમજ બપોરે ભજન-કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જેનો લાભ લેવા અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવ્યુ છે.

 

Similar News