અમદાવાદ : વ્યાજખોરના ત્રાસથી વેપારીએ 12માં માળેથી ઝંપલાવ્યું, લોકડાઉનમાં આર્થિક હાલત કથળી

Update: 2020-07-22 15:57 GMT

શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા રસાયણિકના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી પોતાના ફ્લેટના 12મા માળેથી નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. લોકડાઉનમાં ધંધો બંધ રહેતા આર્થિક નુકસાન થયું હતું. જેના કારણે તેઓ છેલ્લા એક મહિનાથી ટેન્શનમાં રહેતા હતા. આનંદનગર પોલીસે અકસ્માત મૃત્યુનો કેસ નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા સફલ પરિસર ફ્લેટમાં સુશીલ તિબરેવાલ (ઉ.વ.62) તેમના પરિવાર સાથે રહેતા હતા. માર્ચ મહિનામાં કોરોનાના કારણે લોકડાઉન થતાં બે મહિના તેમનો ધંધો બંધ રહ્યો હતો. જેના કારણે તેઓને મોટું આર્થિક નુકસાન ગયું હતું. જેના કારણે અનલોક ખુલ્યા બાદ પણ તેઓ ખૂબ ટેન્શનમાં રહેતા હતા.

વેપારીએ સુસાઇડ નોટમાં પણ લખ્યું છે કે, તેને ઓમપ્રકાશ પંજાલ પાસેથી વ્યાજે 20 લાખ રૂપિયા લીધા હતા. સુશીલે સામે ઓમપ્રકાશને 1 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા તેમ છતાં તે હજુ પણ બીજા રૂપિયા માગે છે અને કહે છે કે ગુજરાતના ગુંડા અને પોલીસ તેના ખીચ્ચામાં છે તે કશું નહીં કરી શકે. અને અવારનવાર તેને નીચે ફેંકી દેવાની ધમકી પણ આપતો હતો જેથી કંટાળીને તેને આત્મહત્યા કરવી પડી છે. હાલમાં પોલીસે સુસાઇડ નોટ અને પરિવારના નિવેદન આધારે તપાસ શરુ કરી છે.

Tags:    

Similar News