અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને હાઈ એલર્ટ, રૃટમાં આવતા કંગનમાં ૨૦ આતંકી ઘૂસ્યા

Update: 2018-06-26 04:04 GMT

અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને સુરક્ષાતંત્રને હાઈએલર્ટ રહેવાનો આદેશ અપાયો છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ગુરુવારથી અમરનાથ યાત્રા શરૃ થશે, પણ યાત્રામાં આતંકવાદી હુમલાની શક્યતાના પગલે તમામ સ્તરે સુરક્ષા વધારવામાં આવી છે.

અમરનાથ યાત્રામાં આતંકવાદી હુમલાની ભીતિ વ્યક્ત થઈ હોવાથી ભારતના સુરક્ષાતંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. સીસીટીવી કેમેરા, મેટલ ડિટેક્ટર, એક્સ-પે મશીન સહિતના આધુનિક સાધનોથી સઘન ચેકિંગ થશે. અમરનાથ યાત્રાનો બેઝ કેમ્પ નુનવાન આ તમામ ચેકિંગ પોઈન્ટના કારણે કિલ્લામાં ફેરવાયો છે.

ભારતના ગુપ્તચર વિભાગે અહેવાલ આપ્યો હતો કે લગભગ ૨૦ જેટલાં પાકિસ્તાની આતંકવાદીઓ બે ગુ્રપમાં અમરનાથ યાત્રાના રસ્તામાં આવતા કંગનમાં ઘૂસ્યા છે. એ અહેવાલને પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. ગયા વર્ષે અમરનાથ યાત્રા ઉપર આતંકવાદી હુમલો થયો હતો અને ૮ લોકોના મોત થયા હતા. એ ઘટના પછી આ વર્ષે સુરક્ષાતંત્ર અમરનાથ યાત્રા વખતે કોઈ જ બાંધછોડ કરવા ઈચ્છતું નથી. એ અંગે સીનિયર પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અમે આતંકવાદીઓને કોઈ જ તક આપવા માગતા નથી અને ભારતના યાત્રાળુઓની સુરક્ષામાં કોઈ જ બાંધછોડ કરવા માગતા નથી.

અમરનાથ યાત્રાના બે માર્ગો - પહેલગામ અને બાલતલમાં ચેકપોસ્ટ ખડી કરીને સુરક્ષા તંત્રએ આતંકવાદી ગતિવિધિને ઝડપી લેવા દિવસ-રાત મહેનત શરૃ કરી છે. અગાઉ અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થા માટે ગૃહ મંત્રી રાજનાથ સિંહે સમીક્ષા કરી હતી. તે પછી સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારામને પણ સુરક્ષા વ્યવસ્થાની ચર્ચા કરી હતી. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલે પણ અમરનાથ યાત્રાના બેઝકેમ્પની મુલાકાત કરીને સુરક્ષા વ્યવસ્થા તપાસી હતી.

Similar News