"જસ્ટ ટુ મિનીટ, પ્લીઝ...."

Update: 2018-02-22 06:14 GMT

જીંદગી જીવવા માટે છે, ચાલો પ્રેરણા મેળવીએ

દહેજને કારણે અથવા પરણિતા પર હિંસા જેવા સમાચાર ધીમે ધીમે આઉટ ઓફ ફેશન થતા જાય છે, નવા અભ્યાસ મુજબ મહિલા પર ઘરેલું હિંસા કાબુ બહાર વધી છે. અપરણિત યુવતીઓ પર તેના જ પરિવારજનોની હિંસા વધતી જાય છે. કિશોરવયે મનગમતા કપડા પહેરવા છે, જે માતા પિતાને પસંદ નથી. કિશોરીઓ સામા જવાબ આપે છે, ત્યારે શું કરવું તે ખબર પડતી નથી. યુવતીઓ નોકરી કરતી થાય પછી તેમની જીવનશૈલી બદલાતી જાય છે. માત્ર સિવલેસ ડ્રેસ પહેરવાથી હાથ કાપવો કે કોઈ છોકરા સાથે વાત કરવાથી મારામારી અને હત્યા સુધી મામલા પહોંચતા જાય છે. આવી રહેલા નવા પડકારોનો માર્ગ શોધવો પડશે.સમય નવી સમસ્યાઓ લાવે છે, જેટલું સરળ દેખાય છે એટલા સરળ નિરાકરણો હોતા નથી. આમ છતાં વાત તો નિરાકરણની કરવી છે.

કમલાદેવી

મહાત્મા ગાંધીએ ઐતિહાસિક દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો. મધ્ય ગુજરાતમાં હાલ બોરસદ તાલુકાનાં રાસ ખાતે સભા અને રોકાણ કર્યુ હતુ. રાસમાં કમલાદેવી ચટ્ટોપાધ્યાય મળવા માટે આવ્યા હતા, દાંડીકૂચમાં મહિલાઓ ને સમાવવા અંગે માંગ કરી હતી. કમલાદેવી ભારતના ઇતિહાસનું અદભૂત વ્યક્તિત્વ હતું. તેમના માતા વિધવા બન્યા બાદ બંને પુત્રીઓનો સ્વતંત્ર ઉછેર કર્યો. કમલાદેવી પણ નાની ઉંમરમાં વિધવા બન્યા. ફરી હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય સાથે લગ્ન કર્યા. લગ્નજીવન બહુ સુખી ન રહ્યું. ચે ગુએરાથી માંડીને અમેરિકામાં માર્ટિન લ્યુથર કિંગ સુધી ગાંધીવિચાર ફેલાવવામાં કમલાદેવીનો અમૂલ્ય ફાળો રહ્યો હતો. બ્રિટિશ વસવાટ દરમિયાન ભારતની દુનિયાના અનેક મહત્વપૂર્ણ દેશોમાં ચર્ચા કરી હતી.

ભારતમાં આઝાદી પછી ભારતીય કલાઓને જીવંત રાખવામાં તેમનો અદ્ભૂત ફાળો હતો. કન્નડ અને આપણા સોહરાબ મોદીની હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુકેલા કમલાદેવીએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, સંગીત નાટક અકાદમી, આર્ટ અને ક્રાફ્ટ મ્યુઝિયમ, વર્લ્ડ ક્રાફ્ટ કાઉન્સિલ ઉભી કરી હતી. સ્વતંત્રસેનાની તરીકે ભારતના પ્રથમ મહિલા હતા. જેમને જેલની સજા થઇ હતી. આઝાદી પછી વિસ્થાપિતને રહેવા માટે આઝાદ ભારતનું પહેલુ આધુનિક શહેર ફરીદાબાદ સ્થાપ્યુ હતુ.

ગિરીજાદેવી

ગિરીજાદેવી સ્પષ્ટપણે માનતા કે કલાકાર પર્ફોમ કરવાનું છે, એની તકલીફો સાથે શ્રોતાઓને કોઈ લેવાદેવા નથી.

ગિરીજાદેવીના 86માં જન્મદિવસ દિલ્હીમાં કાર્યક્રમ હતો. તેઓ ગંભીર બિમાર થઈ ગયા, બ્લડ પ્રેશર નીચું ગયુ અને પલ્સરેટમાં પણ સમસ્યા થતા રાત્રે બે વાગે બેભાન થઈ ગયા. તુરંત ઇમરજન્સી સારવાર હેઠળ ICUમાં દાખલ કરવામાં આવ્યા. સવારે ભાનમાં આવતા ડોક્ટર મજાકમાં ઓટોગ્રાફ માંગ્યો. તમે રજા આપો અને ઓટોગ્રાફ લો, સીધી શરત.ડોક્ટર આ સંજોગોમાં રજા આપવાની ના પાડી. ગિરીજાદેવી સ્પષ્ટ જણાવ્યુ કે મારો કાર્યક્રમ પહેલે થી નિશ્ચિત છે. મારા શ્રોતાઓને નિરાશ કરી શકુ નહીં. પોતાના જોખમ પર રજા લીધી અને કાર્યક્રમ આપ્યો.

વાત હવે શરૂ થાય છે, ગિરીજાદેવી એ પોતાના સાથીદારો તેમજ નિકટના આયોજકોને સ્પષ્ટતા પૂર્વક સૂચના આપી હતી કે કોઈ એ માંદગી સંબંધી વાત કરવી નહીં.મારો શ્રોતા મને સાંભળે, પણ મારી માંદગીને નહીં. મારા કાર્યક્રમમાં મારી સાધના હોય છે, શ્રોતા એ સાંભળવા આવે છે. મને સહાનુભૂતિ વ્યક્ત કરવા નથી આવતા.મારા સંગીત માટે આવે છે, તેમને એ રસ મળવો જોઈએ.

પદ્મવિભૂષણ થી સન્માનિત હોવા છતાં સવારે સંગીત સાધના કરવાને બદલે પરિવારનાં ભોજનનું મેનુ નક્કી કરતા, પરિવારજનોને નિયમિત સંપૂર્ણ કરતા, તમામ શિષ્યોનાં પરિવારનો પણ ખ્યાલ રાખતા.સંગીત સાથે સંવેદનશીલ રહેવુ એમના સ્વભાવમાં હતુ.

રોહીણી હટંગડી

અમિતાભ બચ્ચનની અગ્નિપથ એક એવી ફિલ્મ હતી, જેમાં દરેક પાત્રનું અલગ મહત્વ હતુ, નહીં તો અમિતાભની ફિલ્મમાં પોતે, હિરોઇન અને વિલન. બાકી માનો રોલ કરીને થાકી ગઈ હતી. મારાથી દશ વર્ષ મોટા હોય એવા અમિતાભ, ધર્મેન્દ્ર કે વિનોદ ખન્નાની માના રોલ પણ કરી નાખ્યા.એટલે ચેંજ માટે ચાલબાઝમાં વેમ્પ બની.કમસેકમ મેકઅપ તો થાય.

રોહીણી હટંગડી

આમ તો મારે અડધો કલાક મળવાનું હતુ, પણ પોણા બે કલાક કેવી રીતે પસાર થયા એ ખબર જ ન પડી. મૂળ પૂનેના રહેવાસી અને પૂનેમાં FTI હોવા છતાં નાટકોનો ભારે શોખ. આ કારણે નાટકો શીખવા દિલ્હીમાં નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં એડમિશન લીધુ. અભ્યાસ પછી જયદેવ સાથે પ્રેમમાં પડ્યા, પણ બંનેની ખાસ આવક નહીં. એકાદ વર્ષમાં ઠીકઠાક પર્ફોમ કરતા પરવાનગી મળી.

મરાઠી કલાકારો એક્સપરિમેન્ટલ નાટકો કરતા, કમર્શિયલ ડ્રામા કરતા થોડા શરમાય, પણ રોહીણી હટંગડીનાં કહેવા મુજબ, ડો.શ્રીરામ લાગુ અને વિજ્યા મહેતાએ 1970નાં દાયકામાં કમર્શિયલ ડ્રામા કરવાનો પ્રારંભ કરતા કલા સાથે રોજી પણ મળવા લાગી. ટીવી નવુ હતુ, એટલે ખાસ તક ન હતી. મરાઠી થિયેટરમાં એક્સપરિમેન્ટલ અને કમર્શિયલનાં ફ્યુઝનથી નવા સુંદર પ્રયોગો થવા લાગ્યા.

રોહીણી બેન કાન્તિ મડીયાનાં રંગરસિયાનું મરાઠી વર્ઝનમાં અરવિંદ ઠક્કર સાથે કામ કરવાના હતા. તે સમયે અરવિંદ ઠક્કરે ગુજરાતી નાટકોમાં કામ કરવા આમંત્રણ આપ્યુ. હોમી વાડિયા, દિનકર જાની, નિકીતા શાહ, જયંત વ્યાસ સાથે પ્રથમવાર ગુજરાતી નાટક સર્વનાદ કર્યુ.1970નાં દાયકામાં અમદાવાદમાં આવેલા, ત્યારે કોકાકોલા સહિતની જાહેરાત વાંચતા અને ગુજરાતી સમજવા કોશિષ કરતા. મુંબઈમાં લોન્ડ્રીવાળો કપડા ગુજરાતી અખબારોમાં આપતો, આ અખબારો વાંચી ગુજરાતી લિપિ શીખતા ગયા, રોહીણીબેને દશ જેટલા ગુજરાતી નાટકોમાં કામ કર્યુ છે. પણ ક્યારેય દેવનાગરી લિપિમા સ્ક્રિપ્ટ રાખી નથી. હમેશા ગુજરાતી લિપિની જ સ્ક્રિપ્ટનો ઉપયોગ કર્યો છે.

ગાંધી ફિલ્મ માટે ત્રણ ગાંધી અને ત્રણ કસ્તુરબા હતા. રિચર્ડ એટનબરો પાસે 1972થી સ્ક્રિપ્ટ રેડી હતી, પણ કોઈ ફાઇનાન્સ કરવા તૈયાર ન હતુ. રિચર્ડ તે સમયે એક્ટર હતો, તેણે જાતને સાબિત કરવા ત્રણ ચાર ફિલ્મ ડિરેક્ટ પણ કરી. આ જ ગાળામાં ગાંધીની સ્ક્રિપ્ટ વેચી દીધી હતી. ફરી સ્ક્રિપ્ટ ખરીદી. ઓડિશન શરૂ થયા.

બેન કિગસ્લે, જોન હર્ટ અને નસીરુદ્દીન શાહ ગાંધીના રોલ માટે અને કસ્તુરબા માટે રોહીણી હટંગડી, સ્મિતા પાટીલ અને ભક્તિ બર્વે હતા. લંડનમાં ઓડિશન આપવા બોલાવ્યા અને ત્રણ ભાગમાં વહેંચી દીધા. રોહીણી- બેન કિંગસ્લે, સ્મિતા-નસીરુદ્દીન અને ભક્તિ- જોન હર્ટ.

ગાંધીજી આફ્રિકામાં કસ્તુરબાને સફાઇ કરવા અને તે દરમિયાન થતા ઝઘડાને ભજવવા જણાવવામાં આવ્યુ હતુ. કસ્તુરબા માટે રોહીણી ની પસંદગી બાદ એક મહિનામાં આઠ કિલો વજન ઘટાડવા જણાવ્યુ હતુ. લોકેશન પસંદ પામ્યા બાદ પાંચ છ મહિનામાં ફિલ્મને શુટ કરવામાં આવી હતી. ગાંધી પર ફિલ્મનો ભારતમાં ભારે વિરોધ થયો હતો. તે સમયનાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ સ્ક્રિપ્ટ વાચતા કશું વાંધાજનક ન લાગ્યુ અને ફટાફટ પરમિશન મળી.એક મહિના માટે ફિલ્મ પહેલા દિલ્હીમાં પ્રિપ્રોડક્શન કેમ્પ થયો હતો. બેન કિંગસ્લેને યોગ શીખવાડવામાં આવ્યા હતા, જેથી તે ગાંધી સ્ટાઇલથી બેસી શકે. કસ્તુરબા અંગે નાની નાની વિગતો ભેગી કરતા બે પુસ્તકો મળ્યા, બા-બાપુજીની શિતલ છાયા અને વનમાળીબેન પારેખનું હમારી બા.આ પુસ્તકમાં તેમજ લેખિકા પાસેથી જાણવા મળ્યુ કે કસ્તુરબા મોટો ચાંદલો કરતા ન હતા, સાવ નાની બિંદી કરતા. આફ્રિકા થી પરત ફરતા ગાંધીએ તમામ સોનું ત્યાં જ મુકાવી દીધુ હતુ. કસ્તુરબાએ માત્ર તુલસી માળા અને સાદી બંગડી જ રાખી હતી.

ગાંધી ફિલ્મ યાદ કરતા રોહીણીબેન ભાવુક બની ગયા અને યાદો તાજી કરી હતી. ગાંધીને ટ્રેન માંથી બહાર ફેકવાનુ શૂટ રાજસ્થાન થયુ હતુ, સાબરમતી આશ્રમનો સેટ બનાવ્યો હતો. ગાંધીની અંતિમ યાત્રા માટે દિલ્હીનાં નાગરિકોને આમંત્રણ આપ્યુ હતુ. 12 કેમેરાઓનો ઉપયોગ કરી અંતિમ યાત્રા શૂટ કરવામાં આવી હતી. ગાંધી ફિલ્મ પ્રશંસા પામતી ગઇ તેમ તેમ વિરોધ કરનારા પણ ગૌરવ અનુભવવા લાગ્યા. આજે ગાંધી ફિલ્મ રેફરન્સમાં લઇ શકાય તેવી ગણાય છે. ગાંધી ફિલ્મ અગાઉ બે ચાર ઘટના જ ખબર હતી, ગાંધી ફિલ્મ બાદ લોકોને ઘણું જાણવા મળ્યુ. ફિલ્મ એ આધુનિક ભારતનુ નવું સાહિત્ય છે. કદાચ પદ્માવતીનો ઇતિહાસ પણ ફિલ્મના માધ્યમથી સામાન્ય નાગરિક સુધી પહોંચી શકે. જો પદ્માવતીમાં વાંધાજનક ન હોય તો સંજય ભણસાળી પર ભરોસો મૂકી ફિલ્મ રીલીઝ થવા દેવી જોઈએ.

યુરોપ અને ભારતીય નાટકોમાં વિચારધારાનો મોટો ફેર દેખાય છે. ભારતીય સંસ્કૃતિમાં મૃત્યુ બાદ તત્કાળ મોક્ષ અને નવો જન્મ લખેલો છે.આપણા નાટકોનાં અંત પણ એટલે જ સુખ સાથે પૂર્ણ થાય છે. જો કે ભારત અને ગ્રિક નાટ્યશૈલિમાં સ્ટેજ પર મૃત્યુ દર્શાવવામાંની ના પાડવામાં આવી છે.ભારતીય સંસ્કૃતિ જ હેપ્પીનેશની સંસ્કૃતિ છે. વિદેશી નાગરિકો ભારતમાં આવે છે, ત્યારે એ જ જોવા સમજવાની કોશિષ કરે છે કે ભારતીયો અગવડો વચ્ચે પણ આનંદથી કેવી રીતે જીવે છે.

Blog By : Deval Shastri

Similar News