જસ્ટ ટુ મિનીટ, પ્લીઝ....

Update: 2018-03-12 16:22 GMT

દાંડીયાત્રા : સ્વતંત્રતા વગર પાછો નહીં આવું

૧૨ માર્ચ - ૬ એપ્રિલ ૧૯૩૦ દાંડી યાત્રાનો પ્રારંભ થયો હતો. અમેરિકાના સ્વાતંત્ર્ય, કાળા ધોળાનો ભેદ નાબૂદી માટેની માર્ચ અને દાંડીયાત્રા વિશ્વની ત્રણ વિરલ કૂચ ગણવામાં આવે છે. જેમાં ૧૯૫૧ની માર્ચની પ્રેરણા તો દાંડીયાત્રા પરથી લેવામાં આવી હતી. ભારતના જનમાનસમાં આઝાદીનો ખ્યાલ આપવા તેમજ સ્વદેશી સમજ આપવામાં દાંડીયાત્રાનુ અદભૂત યોગદાન છે. છેલ્લા હજાર વર્ષથી ભારતની પ્રજાનું નૈતિક બળ નાહિંમત બનતું ગયું હતું. મેનેજમેન્ટનો સાદો નિયમ છે કે, કંપનીમાં ઉત્સાહ જાળવવા નવા ટાસ્ક આપવામાં આવે છે. છેલ્લા હજાર વર્ષથી સામાન્ય પ્રજા નિરુત્સાહ હતી. દાંડીયાત્રાની સફળતા પર ગાંધીજી સિવાય તમામને સંદેહ હતો. આવી યાત્રા થી દેશના નાગરિકો ઉત્સાહ માં આવશે અને વિશાળ જન આંદોલન થશે તે વાત તો અંગ્રેજ પણ માનવા તૈયાર ન હતાં. યાત્રા ને સામાન્ય ગણી, એ અંગ્રેજોની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. યાત્રા સમયે જે અત્યાચાર થયાં, તેણે વિશ્વમાં અંગ્રેજી શાશનને બદનામ કરી દીધાં.

મૂળે રખડવાનો મને શોખ. ગાંધીજી એ બોરસદ તાલુકાના કંકાપુરા દહેવાણ પાસે મહીસાગર નદી પસાર કરી હતી. ત્યાં કોતરોમાં મને સ્થાનિક મળ્યા હતાં. તેમને દાંડી યાત્રા વિશે પૂછ્યું, તો મજાની વાત કરી...સાવ ભોળા ગ્રામજને કહ્યું, "ગોંધીબાપુ તો મોટા સંત હતાં, જેવા નદી પર આયાં, નદીએ રસ્તો આપેલો. મારા ડોહા તૈં જ હતાં... બધા હોમે નદીમોં જ રસ્તો બન્યો તો..." આઇન્સ્ટાઇન સાચું કહીને ગયો હતો કે દોઢસો વર્ષ પછી માનવજાત માનશે નહીં કે આવો અદભૂત માણસ પ્રૃથ્વી પર આવીને ગયો.

ભારતના નવા ઇતિહાસ અને જનજાગૃતિનો પ્રારંભ થયો હતો. દાંડીયાત્રા એ પહેલી વાર સામાન્ય જનમાનસમાં અંગ્રેજ શાશનનો ડર કાઢી નાખ્યો. જનજાગૃતિ માટે ક્યો વિષય સ્પર્શી શકાય એ વિચારવા માટે ગાંધીજીએ દોઢ મહીનાનો સમય લીધો હતો. મેનેજમેન્ટમાં રસ ધરાવતા માટે દાંડી યાત્રા અદભૂત વિષય છે. મૂળ આ યાત્રા અમદાવાદથી બોરસદ તાલુકાના બદલપુર સુધી જવાની હતી. સરદાર અને અન્ય એ સલાહ આપી કે યાત્રા લાંબી કરો.બદલપુરના ઠાકોરે બદલપુર સુધી આયોજન કર્યું હતું. સુરતના આગેવાનો યાત્રા લંબાવવા સૂચન કર્યું. યાત્રા બદલપુરને બદલે દાંડી પહોંચી.ગાંધીએ સરદારને આયોજન કરવાની જવાબદારી આપી હતી. સરદારે બનાવેલી કમિટિએ સુરત જીલ્લામાં દાંડીનું સજેશન કર્યું. સરદારને યોગ્ય લાગતા દાંડીયાત્રા બની.

દાંડી કોઇ નકશામાં પણ ન હતું, બ્રિટિશરોને શોધવામાં પણ ભારે મુશ્કેલી પડી હતી. દાંડી યાત્રા પહેલાં ગાંધીજી દેશ વિદેશના છાપાઓને ઇન્ટરવ્યૂ આપીને યાત્રાને ભરપૂર પ્રસિદ્ધિ આપી હતી. યાત્રા મા પ્રારંભ માં ૭૮ અને પછી બીજા બે જણા સાથે કુલ ૮૧ સત્યાગ્રહી જોડાયા. બારમી માર્ચે સવારે ચાર વાગે પ્રાર્થના થઈ. ગાંધી નાનું વક્તવ્ય આપી સુઇ ગયાં અને બરાબર ૬.૨૦ કલાકે યાત્રાનો પ્રારંભ થયો. હજારો લોકો સાબરમતી આશ્રમ બહાર હતાં, બાપુ સાથે ચાલ્યાં. ખેડા જીલ્લાના કંકાપુરામા ૧૦૦ વર્ષના વૃદ્ધ મહિલાને બાપુએ કહ્યું કે સ્વતંત્રતા વગર પાછો નહીં આવું. આ સમયે જંબુસર ખાતે કોંગ્રેસ કારોબારી મળી હતી. નેહરુ પિતા પુત્રને દાંડીયાત્રાની સફળતા પર સંદેહ હતો. જંબુસરમાં દાંડીયાત્રાની સફળતા પર મોતીલાલ નેહરુએ રાજભવન જેવું મકાન આનંદભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. ભરુચ થી બસમાં બેસીને કમલાદેવી ચટ્ટોપાધ્યાય ગાંધીજી ને મળવા જંબુસર આવ્યાં હતાં, તેમના આગ્રહથી ગાંધીજીએ ૬ એપ્રિલથી મહીલાઓને આંદોલનમાં જોડાવા આહ્વાન આપ્યું હતું.

અંગ્રેજ સરકારે અગમચેતીના ભાગરૂપે સરદાર પટેલની તો પહેલેથી જ ધરપકડ કરી હતી, પણ ગાંધી બાબતમા અંગ્રેજ શાસન નિર્ણય જ ના લઇ શક્યું. ૬ એપ્રિલ, ૧૯૩૦ ના દિવસે ચપટી મીઠું લઇ મીઠા પર લાગતા વેરાને સ્વયંભૂ ખતમ કર્યો. દેશને પૂર્ણ સ્વતંત્રતા અપાવવામાં પહેલો પાયો ખોદાયો. જે મીઠું ગાંધી એ ઉપાડ્યું હતું તેનું ત્રણ વાર હરાજી થઈ હતી. સિંધથી બંગાળ સુધી આંદોલન ફેલાયું અને પહેલી વાર મહિલા બહાર આવી. બોરસદમાં હજારો મહિલા રેલી પર અત્યાચાર થયો. મુંબઈમાં લાખો લોકો એકઠાં થયા. અંગ્રેજ સરકાર અત્યાચાર કરે અને પ્રજા અહિંસક સામનો કરે. વિશ્વમાં આ પ્રકારની વિરલ ઘટના હતી, જેમા ક્રાંતિ માટે યાત્રા હતી પણ હથિયાર જ ન હોય.

દાંડીકૂચ દરમિયાન મેઘાણી ભોળાદ પાસે સત્યાગ્રહ જોઇને આવતા હતાં. પોલીસ પાસે જોધાણીનું વોરંટ હતું અને ભૂલથી મેઘાણીને પકડ્યા. મેઘાણીએ ગુનો કબૂલાત કરતાં બે વર્ષની સજા થઈ. તે સમયે જજ ઇસાણી કરીને હતાં, તેમણે મેઘાણીને બચાવ માટે કંઈક કહેવા મંજૂરી આપી, તો મેઘાણી એ જજસાહેબની મંજૂરીથી આઇરીશ વીર મેકસ્વિનીની કવિતા સંભળાવી. જજસાહેબે ચૂકાદો આપીને દેશ માટે રાજીનામું આપ્યું હતું....

દક્ષિણ આફ્રિકામાં ગાંધી પર સૌથી વધુ અત્યાચાર જનરલ સ્મટ્સે ગુજાર્યા હતાં. ગાંધીજીએ જેલવાસ દરમિયાન તેમના માટે જૂતાં બનાવ્યા હતાં. ગાંધીજીનો ઘોર વિરોધી જનરલે નોંધ લખી છે કે આ માણસે બનાવેલા જૂતાંમાં પગ નાખવાની મારી લાયકાત નથી..આજે પણ ગાંધીજીના બનાવેલાં જૂતાં દક્ષિણ આફ્રિકામાં સાચવી રાખવામાં આવ્યાં છે. દુનિયામાં તમામ દેશોમાં જેમના નામના માર્ગ છે, ગુજરાતીમાં લખાયેલી આત્મકથા અનેક ભાષામાં ટ્રાન્સલેટ થાય એ ગુજરાતી માટે ગૌરવપ્રદ છે. મહાત્મા ગાંધી બાપુને શત શત પ્રણામ....

Blog By : Deval Shastri

 

Similar News