તામિલનાડુમાં ગાજા વાવઝોડાનાં પગલે 28ના મોત, 82000 લોકો બેઘર 

Update: 2018-11-17 03:25 GMT

તામિલનાડુમાં સાગરકાંઠે ગુરુવારે મધરાત્રે ત્રાટકેલા વાવાઝોડા ‘ગાજા’એ કાળો કહેર વર્તાવ્યો છે. આ કુદરતી આપત્તિમાં ૨૬નાં મોત થયા છે. જ્યારે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. રાજ્ય સરકારે ૮2000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડ્યાં છે અને તેમના માટે છ જિલ્લામાં ૪૭૦ રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. પડોશી રાજ્ય પુડ્ડુચેરીના બે જિલ્લામાં પણ વાવાઝોડાથી નુકસાન થયું છે. માછીમારોને હજુ પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

તામિલનાડુના નાગપટ્ટીનમ અને તેની નજીકના વેદરાનિયમમાંથી વાવાઝોડું ૧૨૦ કિલોમીટરની ગતિથી પસાર થયું હતું અને તેના પગલે નાગપટ્ટીનમ, કુડ્ડુલોર, થાંજાવુર, તિરુવરુર, તુતિકોરિન અને પુડુકોટ્ટઇમાં ભારે વરસાદ નોંધાયો હતો. રાજ્યના મુખ્યમંત્રી સીએમકે પલાનીસ્વામીએ કહ્યું કે, રાજ્યમાં જ્યાં જ્યાં વાવાઝોડું ત્રાટક્યું છે ત્યાં યુધ્ધના ધોરણે રાહતનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે આપત્તિમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે રૂપિયા દસ લાખની સહાયની જાહેરાત પણ કરી છે. નાગપટ્ટીનમમાં તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વાવાઝોડાને કારણે કાચા છાપરાં ધરાવતાં મકાનો ધરાશયી થઈ ગયાં છે. ઝાડ મૂળ સાથે ઉખડી ગયાં છે જ્યારે ઈલેકટ્રીક થાંભલાઓ પણ જમીન દોસ્ત થયાના અહેવાલો છે. દરિયાકાંઠે આવેલા સંખ્યાબંધ વિસ્તારોમાં સાવચેતીરૂપે લાઈટ બંધ કરી દેવામાં આવી છે.

નાગપટ્ટીનમ જિલ્લામાં જ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ચાર ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. બે ટીમોને કુડ્ડાલોરમાં મોકલાઈ છે. ભારે પવનને કારણે વેલાંકનીમાં ૧૬મી સદીના સેન્ટ બેસિલીકા ચર્ચને પણ ખાસ્સું નુકસાન પહોંચ્યું છે.

સત્તાવાળાઓએ કહ્યું હતું કે, ચર્ચાની બહાર મૂકાયેલું ૭૫ ફીટ ઊંચું જિસસ ક્રાઈસ્ટનું સ્ટેચ્યુ પણ ક્ષતિગ્રસ્ત બન્યું છે. આ ઉપરાંત, મ્યુઝિયમનું છાપરું ઉડી ગયું છે. ૧૪૭૧ જેટલાં કાચા મકાનો ધ્વસ્ત બન્યાં છે જ્યારે ૨૧૬ સંપૂર્ણપણે તારાજ થઈ ગયાં છે. જિલ્લામાં કુલ ૪૯૮૭ વૃક્ષો અને ૧૩,૦૨૫ ઈલેકટ્રીક પોલ્સ જમીનદોસ્ત બન્યાં છે.

Similar News