દહેજ પંથકમાં લેન્ડલુઝર્સોની નોકરી મુદ્દે આત્મવિલોપનની ચીમકી

Update: 2017-10-03 12:51 GMT

વાગરા તાલુકામાં કંપનીઓને જમીન સંપાદન કરનાર ખેડૂતોને વર્ષો પછી પણ નોકરી આપવામાં ન આવતા ઔદ્યોગિક વિસ્તારની શાંતિ જોખમાય એવા એંધાણ હાલના તબક્કે વર્તાઈ રહ્યા છે.

લેન્ડલુઝર્સોએ નોકરી મુદ્દે કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી પરંતુ તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ પગલા ભરવામાં આવ્યા નથી. જે સામે દહેજ પંથકના ભાજપ - કોંગ્રેસનાં અગ્રણીઓ એકમત થઇ લેન્ડલૂઝર્સ લોકોને નોકરી અપાવવા માટે ઠાગાઠૈયા કરતી કંપનીઓ સામે આંદોલનનું રણસીંગુ ફૂંકવાનો હુંકાર કર્યો હતો.

દહેજની જીએસીએલ કંપનીએ 13 જમીન વિહોણા બનેલા ધરતીપુત્રોને નોકરી થી વંચિત રખાતા કંપની ગેટ ઉપર લેન્ડલૂઝર્સ ઉપવાસ પર બેસતા વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો.

આ તબક્કે કંપનીનાં એચ આર વિભાગનાં એજીએમ હિમાંશુ પારેખ સાથે સ્થાનિક અગ્રણીઓ મહેન્દ્રસિંહ રાજ, ઇશાક રાજ, કિશોરસિંહ રણા, ધર્મેન્દ્ર ગઢવી, અશોકસિંહ પરમાર, સુલેમાનભાઈ પટેલ, સુરેશભાઈ પરમાર, ઝુલ્ફીકાર સૈયદ, પુષ્કરસિંહ રણા, વિક્રમસિંહ રણા સહિતના આગેવાનોના પ્રતિનિધિ મંડળ વચ્ચે મિટિંગ યોજાઈ હતી. અનેક ચર્ચા બાદ લેન્ડલૂઝર્સને સીધી નોકરી આપવામાં કંપની અસમર્થતા દર્શાવતા આગેવાનોએ આરપાર લડીલેવાની ચીમકી ઉચ્ચારી મિટિંગ માંથી ઉઠી ગયા હતા.

વધુમાં જો આ બાબતે જીઆઇડીસી અને કંપની સંચાલકો પૂરતું ધ્યાન નહિં આપે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન સાથે આત્મવિલોપનની ચીમકી પણ લેન્ડલુઝર્સોએ ઉચ્ચારી હતી.

જોકે ઘટનાને પગલે દહેજ પોલીસ મથકનાં પીઆઈ બી.એન. ગોહિલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો

Tags:    

Similar News