નખશીખ અર્થશાસ્ત્રી : આર.સી.જોષી

Update: 2019-03-04 10:56 GMT

અર્થશાસ્ત્ર (ઈકોનોમીક્સ) વિષય સાથે જેને સ્નાન સૂતકનો સંબંધ નથી એવા વિનયન (આર્ટસ) અને વિજ્ઞાનના (સાયન્સ) વિદ્યાર્થીઓ શ્રી મહામંડલેશ્વર કોલેજ ઓફ કોમર્સના (સ્થાપના : ૧૯૬૭) વર્ગખંડમાં શિસ્તપૂર્વક ગોઠવાય, ઘંટ વાગે (હવે ઈલેક્ટ્રીક બેલ) પિરીયડ શરૂ થાય, ગુડ મોર્નિંગ સર કહી, ખીચોખીચ ભરેલો ક્લાસ ઊભો થાય, શુટેડ, બુટેડ, ટાઈ પહેરેલા પ્રોફેસર સસ્મિત ગુડ મોર્નિંગ કહે, અને અર્થશાસ્ત્રના જે તે ચેપ્ટરનું એટલી સરળ ભાષામાં ભણાવે કે શીરાની જેમ ગળે ઊતરી જાય. ભરૂચની પટેલ સોસાયટી થી કોલેજ ચાલતા જ જાય. સ્કૂટર કે કાર ચાલક એમને લીફ્ટ આપવા રોકાય તો આભાર માનીને કહે, “મારા ઘૂંટણ સાબૂત છે.”

નખશીખ અર્થશાસ્ત્રી આર. સી. જોષીની (ઉ.વ. ૮૮ પૂરા, જન્મ કપડવંજ) વાત કરું છું. નિવૃત્ત થયા બાદ સદવિદ્યા મંડળ ટ્રસ્ટમાં સેવા આપી. એન.ડી.ટી.વી. ન્યૂઝ ચેનલ એમની ફેવરીટ.

એમના અવસાનના સમાચાર (તા. ૩ માર્ચ ૨૦૧૯) જેમને આપ્યા એમણે એક જ વાત કરી, હું એમનો વિદ્યાર્થી, એ ઈકોનોમીક્સ ભણાવતા. પત્રકારિત્વ વ્યવસાયના કારણે એમનો પુત્ર કશ્યપ મિત્ર બન્યો. દીકરી નેહા અને કશ્યપની પત્ની નીતાભાભી સાથે એક ભાણે જમવાનો સંબંધ. કશ્યપે ભરૂચમાં વકીલાત શરૂ કરી, અમદાવાદ હાઇકોર્ટમાં પ્રેક્ટીસ શરૂ કરી. ત્યાં જ સ્થાયી થયો.

આર. સી. જોષી સાહેબને કોઈપણ કાર્યક્રમમાં બોલાવો, સમયસર હાજર થાય, એજન્ડામાં જેટલી મિનિટ ફાળવી હોય એટલું જ બોલે, સ્પષ્ટવક્તા, અસરકારક વકૃત્વકળાના પાઠ એમના લોહીમાં વહે.

મને જેટલીવાર મળ્યા ત્યારે સૌથી પહેલા દવે સાહેબ કેમ છે? (મારા પિતાશ્રી) પૂછે. મારા વંદન કહેજે એમને. એમની સૌથી મોટી ખાસિયત, ખૂબી એ હતી કે ઘરથી કોલેજ ચાલતા જ જાય. સમયસર. આર.સી.જોષી એટલે ઘડિયાળ. હવે એ ઘડિયાળના ત્રણે કાંટા (સેકંડ, મિનિટ અને કલાક) હંમેશને માટે સ્તબદ્ધ થયા છે. ૐ શાંતિ.

Similar News