ભારત-પાક. ભાગલાના પ્રસ્તાવને આજના દિવસે મળી હતી મંજૂરી

Update: 2016-06-15 07:23 GMT

આધુનિક ભારતના ઇતિહાસમાં 15 જૂન, 1947નો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણકે આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભાગલા માટેનો માઉન્ટબેટન પ્લાનનો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા સ્વીકાર થયો હતો.

ત્યારબાદ 15 ઓગષ્ટ, 1947ના દિવસે ભારતના ભાગલા પડ્યા હતા.જેમાંથી બે અલગ-અલગ દેશો ભારત અને પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યા હતા.

જોકે, ભારત અને પાકિસ્તાનના આ ભાગલા ઇતિહાસમાં સૌથી દુઃખદ અને હિંસાત્મક રહ્યા હતા. ભારત-પાકિસ્તાન અલગ થયા બાદ ઉત્તર ભારતના ઘણાં ભાગો અને બંગાળમાં હિન્દુ-મુસ્લિમ કૌમી તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં કેટલાય લોકોના મોત થયા હતા. લાખો લોકો રાતોરાત બે ઘર બની ગયા હતા. લોકોએ તેમનું ઘરબાર, ધંધો-રોજગાર છોડીને જવું પડ્યું હતું. ઘણી સ્ત્રીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પુરુષોને મારી સ્ત્રીઓને ગુલામ બનાવી લેવાઇ હતી. ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે પડેલા ઘાના નિશાન હજી પણ રૂઝાયા નથી. બંને દેશો વચ્ચે આજે પણ કડવાશ છે.

1930ની આસપાસ મોહમ્મદ અલી જિન્નાહને લાગ્યું હતું કે કોંગ્રેસીઓ હિન્દુસ્તાનમાં લધુમતીમાં રહેલા મુસ્લિમો સાથે ન્યાય નહી કરી શકે. આથી, એક સમયે હિન્દુ-મુસ્લિમ એકતાના સૌથી મોટા હિમાયતી રહેલા મોહમ્મદ અલી જિન્નાહ સહિતના મુસ્લિમ લીગના કેટલાક સભ્યોએ મુસ્લિમો માટે અલગ પ્રદેશની માંગણી કરી હતી.

મહાત્મા ગાંધીજી સહિત કોંગ્રેસના કેટલાક નેતાઓ ધર્મ આધારિત ભારતના ભાગલાના વિરોધી હતા. ગાંધીજી ઇચ્છતા હતા કે હિન્દુ-મુસ્લિમ લોકો એક જ દેશમાં શાંતિથી રહે.પરંતુ મુસ્લિમો માટેના અલગ પ્રદેશ પાકિસ્તાન માટેની માંગણી પ્રબળ બનતા આખરે 3 જૂન, 1947ના રોજ એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો, જે માઉન્ટ બેટન પ્લાન તરીકે ઓળખાયો.

માઉન્ટ બેટન પ્લાનનો સ્વીકાર 15 જૂન, 1947ના દિવસે કરવામાં આવ્યો.આમ,આ દિવસે ભારતના ભાગલાને કાયદેસરની મંજૂરી આપવામાં આવી.

Muslim refugees crowd atop a train leaving New Delhi for Pakistan in September 1947.

ઉલ્લેખનીય છે કે 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ 1971માં પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ પણ છુટું પડ્યું હતું.બાંગ્લાદેશને પાકિસ્તાનથી આઝાદ કરાવવા માટે ભારતે પણ સક્રિય ભૂમિકા ભજવી હતી.

Similar News