ભુજ : નવા ટ્રાફિક નિયમો બાદ નવું કૌભાંડ : બોગસ પીયુસી બનાવતા બે ઝડપાયાં

Update: 2019-09-23 10:44 GMT

સરકારે ટ્રાફિકના નવા નિયમો અમલી બનાવ્યા બાદ વાહનચાલકો માટે પીયુસી ફરજિયાત બની ગયું છે. ત્યારે બોગસ પીયુસી બનાવતી ટોળકીઓ પણ સક્રિય બની છે. ભુજ એલસીબીએ કતીરા કોમ્પલેકસની એક દુકાનમાં દરોડો પાડી બોગસ પીયુસી બનાવતાં બે લોકોની 1.20 લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે.

રાજયમાં ટ્રાફિકને લગતા નવા નિયમો અમલી બન્યા છે ત્યારે પીયુસી કઢાવવા માટે આરટીઓ તથા ખાનગી સેન્ટરોમાં કતારો લાગતી હોય છે. ભેજાબાજો આ તકનો ગેરફાયદો ઉઠાવવા માંગતા હોય એમ બોગસ સેન્ટરો ધમધમી ઉઠ્યા છે ત્યારે ભુજ એલસીબીની ટીમે આરટીઓ કચેરી પાસે આવેલા કતીરા કોમપ્લેક્ષમાં આવેલી શ્રીજી ઓટો એડવાઇઝર નામની પેઢીમાં પોલીસે છાપો માર્યો હતો અને બોગસ પીયુસી ઇસ્યુ કરવાનું કૌભાંડ ઝડપી પાડયું છે. ડીવાયએસપી દેસાઈએ જણાવ્યું હતું કે,શ્રીજી ઓટો એડવાઇઝરના જીજ્ઞેશ કનુભાઈ વ્યાસ અને કોમ્પ્યુટર ઓપરેટર શહેનવાઝ સુમરા બોગસ પીયુસી સર્ટિફિકેટ ઇસ્યુ કરતા હતાં. મુખ્ય આરોપી જીગ્નેશના નામે મુન્દ્રામાં મહાશક્તિ પીયૂસી સેન્ટર રજીસ્ટર થયું છે..જેના નામે અહીં બોગસ પીયૂસી વાહન ચાલકોને આપવામાં આવતું હતું.આ માટે આરોપીઓએ અમદાવાદથી સોફ્ટવેર બનાવ્યું હતું. તેમની પાસેથી બોગસ પીયુસી બનાવવાના મશીનરી સહિત 1.20 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરાયો છે. બંને આરોપીઓની વધુ પૂછપરછ કરાઇ રહી છે.

Similar News