મને કાંઈ સમજાયુ નહિં

Update: 2018-06-26 13:15 GMT

મારા ચિત્રકામના શિક્ષકનો પુત્ર જેની પાસે શ્રીમદ્ ભાગવત ગીતામાં દિવ્યચક્ષુ હતા અને મહાભારતના યુદ્ધનો આંખે દેખ્યો અહેવાલ ધૃતરાષ્ટ્રને સંભળાવતા હતા એને કહેલી વાત છે.

ઋષિભાઈ, આ બુટલેગર્સ હોઈ તેના સંતાનો જે સ્કુલમાં ભણતા હોય કે ટ્યુશન ક્લાસમાં જતા હોય ત્યારે બુટલેગરનો શાળા અને ટ્યુશન ક્લાસના સંચાલક કે શિક્ષકો સાથે કેવો વ્યવહાર થતો હશે ? મેં કહ્યું, “નો આઈડિયા”. મારી સાથે આજથી બે દાયકા પહેલા એક ઘટના બનેલી. ભરૂચના નંબર વન ‘અશોક ક્લાસીસ’ માં હું ગણિત શિખવવા જતો. એક દિવસ ક્લાસ શરૂ થવાનો હતો તે પહેલા એક ભાઈ ત્રણ છોકરાને લઈને આવ્યા મને કહે અશોક માસ્ટર જોડે વાત થઈ છે તમારે મારા ત્રણે છોકરાને ટ્યુશન ક્લાસમાં ભણાવવાનું છે. મને ઓળખો છો ?, શિક્ષકે “ના પાડી”. હું ગોલ્ડીદાદા. આખા વર્ષની ફી હું ઓફિસમાં જમા કરાવી દઈશ. એક વાતનું ધ્યાન રાખજો હું છ મહિના ઘરમાં અને છ મહિના જેલમાં હોઉં છું એટલે વાલી મિટીંગમાં આવી શકાશે નહિં. આટલુ કહી ગોલ્ડીદાદા સડસડાટ પગથિયા ઉતરી ગયા. મારો ક્લાસ પત્યો એટલે હું અશોક માસ્ટરની ઓફિસમાં ગયો. મેં ગોલ્ડીદાદાની વાત કરી. અશોક માસ્ટર કહે, બહુ કામનો માણસ છે. ખેંચ પડશે ત્યારે અડધી રાતે એ કામ લાગશે ! મેં કહ્યું, “ખેંચ, શેની ખેંચ”, અરે ! યાર દારૂની. મે કહ્યું, “હું તો પીતો નથી.” અરે ! યાર તારા દોસ્તો માટે જરૂર પડશે... પાર્ટી બાર્ટી કરવી હશે ત્યારે દારૂ તો જોઈશે જ ને ! મને કાંઈ સમજ પડી નહિં.

આ, વાતને પંદર-વીસ દિવસ થયા એક દિવસ ક્લાસ પત્યો એટલે બધા છોકરા વિદાય થયા અને ગોલ્ડીદાદા ક્લાસમાં આવ્યા. મારા ત્રણે સંતાનો તમારા ભણાવવાની રીતથી ખુશ છે. અડધી રાતે પણ લાલ પાણીની જરૂર પડે તો મને યાદ કરજો કહેશો ત્યાં પહોંચી જશે. મને કાંઈ સમજાયું નહિં.

મને ખાત્રી છે કે મારા બ્લોગના વાંચકો એટલા સુજ્ઞ છે કે એમને બધું જ સમજાય ગયુ હશે.

Similar News