• રાજુલામાં ભારે વરસાદ બાદ તબાહી

  • જોલાપરી નદીમાં તણાઈ કાર

  • નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ કાર

  • કાર ચાલકનું ઘટના સ્થળે નીપજ્યું મોત

  • ભારે વરસાદમાં 30થી વધુ પશુઓના મોત

  • તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ

અમરેલી જિલ્લામાં મેઘરાજાએ અવિરત વરસી તબાહી મચાવી હતી.બપોર બાદ વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કરતા સાવરકુંડલારાજુલા અને સહિત પંથકમાં ભારે નુકસાન થયું હતું. નદીઓમાં ઘોડાપુર આવતા ગામડાઓમાં પાણી ઘુસી ગયા હતાઅને પશુઓ પણ તણાયા હતા.રાજુલા નજીક કાર તણાતા એકનું મોત થયું હતું.જ્યારે જિલ્લામાં 30થી વધુ પશુઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને રાજુલા પંથકમાં ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં ગાંડીતુર પ્રવાહ જોવા મળ્યો હતો. ગામડાઓમાં પાણી ઘુસતા લોકોના ઘરો અને માલમત્તાને નુકસાન થયું હતું.કાઠમા ગામ નજીક નટુપરી બાપુના આશ્રમમાં મોડી રાતે પાણી ઘુસતા 8 પશુઓના કમકમાટીભર્યા મોત થયા હતા.

રાજુલા તાલુકાના ઉટીયા-રાજપરડા ગામ વચ્ચે બ્રિજ પર પાણીના પ્રવાહને કારણે ભુવો પડ્યો હતો.જ્યારે બ્રિજ પરથી પસાર થતી કાર પણ ધસમસતા પાણીમાં તણાઈ ગઈ હતીજેમાં માર્કેટિંગ યાર્ડના વેપારી ભગવાન વાઘનું મોત નીપજ્યું હતું. તંત્ર દ્વારા બ્રિજ તોડી કારને બહાર કાઢવામાં આવી હતી.

આ ઉપરાંત સાવરકુંડલાના ઘોબામાં પરપ્રાંતીય મજૂરો મેરામણ નદીમાં આવેલા પૂરથી વાડીમાં ફસાયા હતા,તેમને NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા.વધુમાં અવિરત વરસેલા ભારે વરસાદને પગલે અમરેલી જિલ્લામાં 30થી વધુ પશુઓના મોત નિપજયા હોવાનું જાણવા મળ્યું છે.