કર્ણાટકના બેલગાવીમાં એક ઘરમાં ફ્રિજ બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં એક જ પરિવારના 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કરૂણ દુર્ઘટના સોમવારે મોડી રાત્રે માર્કેટ પોલીસ સ્ટેશન વિસ્તારના ચાવટ ગલ્લીમાં બની હતી.

પોલીસના જણાવ્યા મુજબ, આ અકસ્માતમાં ભારતી ધમોને, શારદા ધમોને,ગંગા ધમોને અને પ્રિયા ધમોનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ગજાનન ધમોને અને રોશન ધમોને ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શારદા, ગજાનનના પત્ની હતા અને ભારતી તેમની બહેન હતા. જ્યારે પ્રિયા અને ગંગા તેમની દીકરીઓ અને રોશન તેમનો દીકરો છે.