અંકલેશ્વરના લેકવ્યુ પાર્કમાં તળાવની પ્રોટેક્શન વોલનો 40 મીટરનો ભાગ ચોમાસાની સીઝનમાં બીજી વખત  તૂટી પડતા નગરપાલિકાની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે.

અંકલેશ્વર શહેરના નાગરિકો માટે અંદાજે રૂપિયા 6 કરોડના ખર્ચે આકર્ષક લેકવ્યુ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા મજબૂત કામગીરીના મોટા-મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા. પરંતુ, સામાન્ય વરસાદની થપાટ પણ આ ‘મજબૂત’ પ્રોટેક્શન વોલ સહન કરી શકી નથી અને જોતજોતામાં ધરાશાયી થઈ ગઈ.અગાઉ જુલાઈ માસમાં વરસેલ વરસાદમાં વોલનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો તો આજે પણ વરસાદી માહોલ વચ્ચે 40 મીટર જેટલી દીવાલ ધરાશાયી થઈ ગઈ છે.

પ્રોટેક્શન વોલ ધોવાઈ જતા જ વિપક્ષી નેતાઓએ પાલિકા તંત્ર સામે મોરચો માંડ્યો છે. વિપક્ષે આ ઘટનાને નગરપાલિકાના ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો ગણાવીને તંત્ર પર તીખા પ્રહારો કર્યા છે.કોંગ્રેસના નગર સેવક જહાંગીર પઠાણે જણાવ્યું હતું કે દીવાલ બનાવવામાં નીતિ નિયમોનું પાલન થયું નથી અને સરકારી રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.શાસકો દીવાલના રીનોવેશનની કામગીરી માટે મથી રહ્યા છે પરંતુ જ્યાં સુધી 6 કરોડ રૂપિયા કેવી રીતે વપરાયા એનો ખુલાસો ન થાય ત્યાં સુધી આ કામ કરવા દેવામાં આવશે નહીં

આ અંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ જીગ્નેશ અંદાડીયાએ જણાવ્યું હતું કે લેકવ્યુ પાર્કમાં દીવાલ ધરાશાયી થવાનો મામલો અમારા પણ ધ્યાને પણ આવ્યો છે.આ બાબતે કોન્ટ્રાક્ટરની ડિપોઝિટમાંથી રકમ જપ્ત કરવામાં આવશે. સાથે જ ભવિષ્યમાં નીતિ નિયમો સાથે મજબૂત દિવાલ બને એ માટે પ્રયાસો કરાશે.