અમરેલીમાં કોરોના ટેસ્ટીંગ માટે સાધનો ઉપલબ્ધ કરાવવાની સહિતની માંગો સાથે પ્રતિક ઉપવાસ કરી રહેલા વિપક્ષના નેતા પરેશ ધાનાણીની પોલીસે અટકાયત કરતાં રાજકારણ ગરમાયું છે.
રાજયભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે ત્યારે અમરેલી ખાતે કોરોના ટેસ્ટીંગ માટે આરટી- પીસીઆર તથા અન્ય સાધનોની ફાળવણી કરવામાં આવે તથા અમરેલી, સાવરકુંડલા અને રાજુલા ખાતે વધારાની 500 બેડ સાથેની કોવીડ- 19 હોસ્પિટલ ઉભી કરવાની માંગ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કરી હતી. આ સંદર્ભમાં તેમણે રાજય સરકારને પત્રથી જાણ પણ કરી હતી તેમ છતાં કોઇ કાર્યવાહી નહિ થતાં તેઓ રવિવારના રોજ પ્રતિક ઉપવાસ પર બેઠા હતાં. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પરેશ ધાનાણીની અટકાયત કરી હતી. રાજયની પોલીસ ભાજપ સરકારના ઇશારે કામ કરતી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કરી પરેશ ધાનાણીની અટકાયતની ઘટનાને વખોડી નાંખી હતી.