મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા કલરવ શાળા દ્વારા પહેલ
મનોદિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધારવા સંસ્થાની પહેલ
બાળકો દ્વારા દીવડા-આર્ટિફિશિયલ તોરણ તૈયાર કરાયા
વેચાણમાંથી મળતી રકમ બાળકોના ખાતામાં જમા કરાશે
દિવડાઓની ખરીદી કરવા માટે જનતાને ખાસ અપીલ
ભરૂચ શહેરમાં મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા કલરવ શાળા દ્વારા સુંદર દીવડાઓ અને આર્ટિફિશિયલ તોરણ તૈયાર કરવામાં આવ્યા છે, ત્યારે મનોદિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધારવા દિવડાઓની ખરીદી કરવા માટે શહેરની જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે.
દિવાળી એટલે રોશની, ખુશી અને અન્યોના જીવનમાં ઉજાસ પાથરવાનો અવસર. ત્યારે ભરૂચ શહેરમાં મનોદિવ્યાંગોની સંસ્થા કલરવ શાળામાં અભ્યાસ કરતા બાળકોએ પોતાની કળા અને મહેનતથી દિવાળીને વધુ ખાસ બનાવી છે. સંસ્થાના સ્થાપક નીલા મોદીના માર્ગદર્શન હેઠળ બૌદ્ધિક અસમર્થતા ધરાવતા બાળકો દ્વારા સુંદર દીવડાઓ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ ઘરની શોભા વધારતા આર્ટિફિશિયલ તોરણ પણ તૈયાર કરવામાં આવ્યાં છે.
આ માત્ર માટીના દીવડા કે સજાવટની વસ્તુઓ નથી. પરંતુ દરેક વસ્તુમાં બાળકોની મહેનત, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભર બનવાની આશા છુપાયેલી છે. બાળકો દર વર્ષે આ પ્રકારના દીવડાઓ બનાવે છે. જેને શહેરની વિવિધ સંસ્થાઓ અને લોકો દ્વારા ખરીદવામાં આવે છે.
આ વેચાણમાંથી મળતી સંપૂર્ણ રકમ સીધી બાળકોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જેથી ભવિષ્યમાં આ રકમ તેમના કામમાં આવી શકે, અને આ બાળકો આત્મનિર્ભર બની શકે. કલરવ શાળાના સ્થાપક નીલા મોદીએ ભરૂચવાસીઓને અપીલ કરતાં જણાવ્યું છે કે, દિવાળીએ પોતાના ઘરમાં અનેક દીવડા પ્રગટાવજો. પરંતુ એક દીવો આ બાળકોના હાથે બનેલો પણ ખરીદીને પ્રગટાવજો. કારણ કે, તમારી આ નાનકડી પહેલ મનોદિવ્યાંગ બાળકોના જીવનમાં મોટો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જગાવી શકે છે.
