દિલ્હી-મુંબઈ કોરિડોરના અસરગ્રસ્તોમાં ભારે રોષ
વિવિધ પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન સામે ખેડૂતોનો વિરોધ
જીઆઇડીસી,એરપોર્ટ,હાઇવે પ્રોજેક્ટ માટે જમીન આપવાનો ઇન્કાર
પ્રાથમિક સુવિધાઓ માટે કલેક્ટર સમક્ષ ખેડૂતોની ઉગ્ર રજૂઆત
વિકાસકીય પ્રોજેક્ટ્સ સરકારી જમીન પર જ કરવા ખેડૂતોની માંગ
દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દિલ્હી-મુંબઈ કોરિડોરના અસરગ્રસ્ત ખેડૂતો સાથે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ખેડૂતોએ પોતાના પડતર પ્રશ્નોને લઈને ભારે આક્રોશ ઠાલવ્યો હતો.
દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દિલ્હી-મુંબઈ કોરિડોરના અસરગ્રસ્ત ખેડૂતો સાથે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ખાસ કરીને ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં વિવિધ સરકારી પ્રોજેક્ટ્સ માટે થઈ રહેલા જમીન સંપાદનને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દિલ્હી-મુંબઈ કોરિડોરને લીધે જમીન ગુમાવનારા ખેડૂતોને આજદિન સુધી પ્રાથમિક સુવિધાઓ પણ ન મળતા, ખેડૂત અગ્રણીઓએ કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી.
ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, નવીન GIDC, એરપોર્ટ, રેલવે લાઇન કે હાઇવે પ્રોજેક્ટ માટે તેઓ પોતાની ફળદ્રુપ જમીન કોઈપણ ભોગે નહીં આપે. ખેડૂતોની મુખ્ય માંગણી છે કે સરકારના તમામ વિકાસકીય પ્રોજેક્ટો માત્ર અને માત્ર સરકારી જમીન પર જ કરવામાં આવે, જેથી ખેડૂતો બેઘર અને બેરોજગાર ન બને.
કલેકટર દ્વારા ખેડૂતોની તમામ રજૂઆતોને શાંતિપૂર્વક સાંભળવામાં આવી હતી અને તમામ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી છે. આ બેઠક બાદ નક્કી કરવામાં આવ્યું છે કે બરાબર એક મહિના પછી ખેડૂતોના પ્રશ્નો અને માંગણીઓ અંગે ફરીથી એક રિવ્યુ બેઠક યોજવામાં આવશે.
કલેક્ટર સાથેની આ બેઠક સકારાત્મક અને સુખદ રહેતા ખેડૂતોએ હાલ પૂરતું પોતાનું પ્રસ્તાવિત આંદોલન મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે, ખેડૂતોએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો આગામી સમયમાં તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે.
