અંકલેશ્વર: એકાઉન્ટન્ટ સાથે ઓટો મેસેજ મોકલી મોબાઈલ હેંગ કરી ₹2.15 લાખની સાયબર ઠગાઈ,એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
સાયબર ઠગાઈનો ભોગ બનનાર એકાઉન્ટન્ટે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર જાણ કરતાં અંકલેશ્વર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી ગુજરાત | ભરૂચ | સમાચાર
અંકલેશ્વરની અમરદીપ સોસાયટીમાં રહેતા સાકીર હુશેન શેખ ભરૂચની નૂર ટ્રાન્સપોર્ટમાં એકાઉન્ટિંગનું કામ કરે છે. ગત 25 એપ્રિલે સવારે તેમના મોબાઈલ પર સતત ઓટો મેસેજ આવવાના શરૂ થતા શંકા જતાં તેમણે ફોન ફ્લાઇટ મોડ પર મૂકી દીધો હતો. બીજા દિવસે ફરીથી મેસેજ આવતા જ રહ્યા હતા અને તેમનો મોબાઈલ હેંગ થઈ ગયો હતો. જ્યારે ફોન ફરી ચાલુ થયો અને તેમણે તરત બેંક બેલેન્સ ચેક કર્યું તો તેઓ ચોંકી ગયા હતા.
તેમના HDFC અને IDFC ના બે એકાઉન્ટ અને બે ક્રેડિટ કાર્ડમાંથી ₹2.15 લાખની રકમ ચાર અલગ અલગ ટ્રાન્ઝેક્શનમાં ઉપડી ગઈ હતી. સાયબર ઠગાઈનો ભોગ બનનાર એકાઉન્ટન્ટે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર જાણ કરી હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
