અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી અંદાડા તરફ જતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યાને પગલે માર્ગ અને મકાન વિભાગ હરકતમાં આવ્યુ છે. માર્ગની બન્ને તરફ લાંબા સમયથી પુરાઈ ગયેલી ગટરોને ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં માર્ગ પર પાણી ભરાઈ જતા વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા માર્ગની બન્ને બાજુની ગટર વ્યવસ્થાની સફાઈ અને ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગટરો ખુલ્લી કરી વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરાતા આગામી વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળવાની આશા જાગી છે. આ તરફ તંત્રની કામગીરીના કારણે આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાય જવાની ચિંતા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે કારણ કે ગટરમાંથી પાણીના નિકાલની સુવ્યવસ્થિત વ્યવસ્થા ન હોવાની રજુઆત સ્થાનિકોએ અધિકારીને કરી હતી.
