/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/20155009/maxresdefault-107-178.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસીમાં માનવ મંદિર નજીક નંબર પ્લેટ વગરની બાઇક પર આવેલા 2 ગઠીયાઓએ એક વ્યક્તિના હાથમાંથી મોબાઈલ ઝુંટવી ફરાર થઇ ગયા હતા.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં રહેતા મેહુલ ઇનામદાર માનવ મંદિર નજીક આવેલ પોતાના મિત્રની દુકાન પર બેઠા હતા. તે દરમ્યાન તેમનો અન્ય એક મિત્ર ઇકો કાર લઇને આવ્યો હતો, ત્યારે નંબર પ્લેટ વગરની બાઇક પર આવેલ 2 ગઠીયાઓએ તેમના હાથમાં રહેલ મોબાઈલ ઝુંટવી ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે મેહુલ ઇનામદાર અને તેમના મિત્રોએ ગઠીયાઓનો પીછો કરવાની શરૂઆત કરી હતી. તો સાથે જ તેમના પોલીસ મિત્રને પણ બનાવ અને વર્ણનની જાણ કરી હતી.
જે આધારે પોલીસ મિત્રએ પણ પીછો કરતા મેઘમણી ચોકડી નજીક બન્ને ગઠીયાઓ ઉભેલા જોયા હતા. જેને પકડવા જતાં બે પૈકી એક ગઠીયો ફરાર થઇ ગયો હતો. જ્યારે અન્ય એક ગઠીયો પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે તેની વધુ પૂછપરછ કરતાં તે કોસંબાના દાદરી ફળિયામાં રહેતો 22 વર્ષીય આકીબ અનવર શેખ હોવાનું જણાવ્યુ હતું. પોલીસે આકીબ પાસેથી ચોરીના મોબાઈલ અને બાઇક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અન્ય ફરાર આરોપીને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.