પોતાની બહેનનાં ખાતામાં નાણા જમા કરાવવા જતાં પરત ફરતી વખતે ભોગ બન્યો.

મૂળ બિહારનાં અને હાલમાં અંકલેશ્વરનાં ગડખોલ ખાતે રહી જીઆઈડીસી સ્થિત કંપનીમાં નોકરી કરતો એક યુવાન બેન્કમાં નાણા ભરવા જતાં તેની પાસે રહેલી રોકડ રકમની ચોરીનો  ભોગ બન્યો છે. જે અંગે ભોગ બનનાર યુવાને શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

બનાવની મળતી વિગતો મૂજબ સુરજુદિન સલીમ અન્સારી જે હાલમાં અંકલેશ્વરનાં ગડખોલ ખાતે રહે છે અને જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં નોકરી કરે છે. જે ગતરોજ કંપનીમાં ગયા બાદ રજા લઈને પોતાની બહેનનાં ખાતામાં નાણા જમા કરાવવા માટે બેન્કમાં ગયો હતો. તે સમયે સુરજુદિન પાસે કુલ રુપિયા 80 હજાર રોકડા હતા. બેન્કમાં જતાં ખાતામાં વધુ રકમ જમા કરાવવા માટે બેન્ક તરફથી પાન કાર્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે તેની પાસે બહેન સૈરુન બેગમના પાનકાર્ડની નકલ નહીં હોવાથી માત્ર 30 હજાર રૂપિયા ખાતામાં જમા કરાવ્યા હતા. બાદમાં બાકીના વધેલા રૂપિયા 50 હજાર પેન્ટના ખિસ્સામાં મૂકી બેન્કમાંથી નીકળી ગયા હતા.

બેન્કની બહાર મૂકેલી પોતાની સાયકલ લઈને પરત નોકરી ઉપર જવા માટે નીકળ્યો હતો. તેવામાં પાછળથી આવેલા બે શખ્સોએ તેને ધક્કો મારી નીચે પાડી દીધો હતો. જે દરમિયાન  સુરજુદિનનાં પેન્ટનાં ખિસ્સામાંથી રૂપિયા 50 હજાર પડી જતાં તેની નજર ચૂકવી બન્ને શખ્સો ફરાર થઈ ગયા હતા. બાદમાં સુરજુદિને શહેર પોલીસ મથકે જઈને પોતાની હકીકત જણાવતાં પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા બન્ને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here