/connect-gujarat/media/media_files/2025/07/06/devpodhi-ekadashi-2025-07-06-19-16-48.jpeg)
દેવપોઢી અગિયારસનો માછીમાર સમાજમાં અનેરો મહિમા
માછીમાર સમાજ દ્વારા નર્મદા મૈયાને ચુંદડી અર્પણ કરાય
દરિયા દેવ-નર્મદા નદીના સંગમ સ્થાને દુગ્ધાભિષેક કરાયો
હર હર નર્મદે’ના નાદથી ભાડભૂતનું વાતાવરણ ગુંજી ઉઠ્યું
મોટી સંખ્યામાં માછી સમાજના આગેવાનો-સભ્યોની હાજરી
ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દેવપોઢી અગિયારસના પાવન દિવસે માછીમાર સમાજે નર્મદા મૈયાને ચુંદડી અર્પણ કરી દુગ્ધાભિષેક સાથે માછીમારીનો પ્રારંભ કર્યો હતો.
ભરૂચ શહેર તથા જિલ્લામાં દેવશયની એકાદશીના પાવન દિવસે માછીમાર સમાજે પરંપરાગત રીતે નર્મદા નદીમાં ચુંદડી અર્પણ કરી માછીમારીનો પ્રારંભ કર્યો હતો. આ સાથે જ નર્મદા મૈયાના એક કિનારાથી બીજા કિનારા સુધી દુગ્ધાભિષેક કરી માછીમારોએ નદી માતાને નમન કર્યું હતું. ભરૂચ જિલ્લાના ભાડભૂતથી લગભગ 12 કિમી દૂર જ્યાં દરિયા અને નદીના પાણીનું સંગમ થાય છે અને ભાંભરું પાણી બને છે, ત્યાં આ વખતે હીંલસા માછલી વિશાળ પ્રમાણમાં જોવા મળી છે.
દરિયામાંથી હીંલસા માછલી પ્રજનન માટે ભાંભરા પાણીમાં આવે છે, અને ચાલુ વર્ષે વરસાદ વહેલો પડતાં માછીમારો માટે આ પરિસ્થિતિ અત્યંત અનુકૂળ બની છે. આ વર્ષે 40 વર્ષ બાદ લાખો રૂપિયાની વધારાની હીંલસા માછલી પકડાઈ છે, જેનાથી માછીમારોમાં ખુશીનો માહોલ છવાયો છે. દેવશયની એકાદશીએ લગભગ 1500થી વધુ બોટમાં માછીમારો દરિયામાં ઉતરી માછીમારી કરવા પ્રસ્થાન થયા હતા.