/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/05172023/maxresdefault-50.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રાજપીપળા ચોકડીથી જી.આઈ.ડી.સી. વિસ્તારને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેમાં સ્થાનિકોએ માર્ગ બંધ કરી જ્યાં સુધી માર્ગનું સમારકામ ન થાય ત્યાં સુધી માર્ગ ખુલ્લો નહીં કરવા માટેની પણ ચીમકી ઉચ્ચારી હતી.
છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી જી.આઈ.ડી.સી. વિસ્તાર તરફ જવાનો માર્ગ અત્યંત બિસ્માર થઈ ગયો છે. માર્ગ ખખડધજ હોવા છતાં તંત્ર દ્વારા સમારકામ ન કરવામાં આવતા ધૂળ ઊડી રહી છે. જોકે માલધારી સમાજના અનેક લોકો આ વિસ્તારમાં રહે છે, ત્યારે બિસ્માર માર્ગથી કંટાળી ગયેલા સ્થાનિકોને વારંવાર હાડમારી વેઠવાનો વારો આવી રહ્યો હતો.
જોકે આ ખખડધજ માર્ગ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર નોટિફાઇડ એરિયા ઓથોરીટીમાં સમારકામ કરવાની રજૂઆત કરવામાં આવી છે. પરંતુ નોટિફાઈડ એરિયા ઓથોરીટીના ઉદાસીન વલણના પગલે ઉશ્કેરાયેલા સ્થાનિક રહીશોએ માર્ગ ઉપર ખાડો ખોડી અવરોધ ઊભો કરી અવરજવર કરતાં લોકોને અટકાવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી સ્થાનિકોને સમજાવવાના પ્રસાય કર્યો હતો. પરંતુ સ્થાનિકોએ માર્ગ ખુલ્લો કરવા અંગે સાફ ઇનકાર કરી દીધો હતો. જ્યાં સુધી માર્ગનું સમારકામ હાથ ધરવામાં નહીં આવે ત્યાં સુધી માર્ગ ખુલ્લો ન કરવાની ઉગ્ર ચીમકી ઉચ્ચારી હતી. જોકે સ્થાનિકોની રજૂઆતના પગલે ગડખોલ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સ્થળ પર દોડી આવ્યા હતા. જેમાં વહેલીતકે સ્થાનિકોની સમસ્યાનું સમાધાન કરવા અંગે બાહેંધરી આપી હતી.