અંકલેશ્વર : “રેવા અરણ્ય” ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ, પર્યાવરણ પ્રેમીઓના હસ્તે કરાયું વૃક્ષારોપણ

New Update
અંકલેશ્વર : “રેવા અરણ્ય” ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ, પર્યાવરણ પ્રેમીઓના હસ્તે કરાયું વૃક્ષારોપણ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ ગામ નજીક નિર્માણ પામેલ “રેવા અરણ્ય” ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ડો. એમ.ડી.મોડીયા અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત પર્યાવરણ પ્રેમીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે અને લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી દર વર્ષે તા. 5મી જૂનનો દિવસ “વિશ્વ પર્યાવરણ દિન” તરીકે ઉજવવામાં આવે છે. આપણે સૌ જાણીએ છે તેમ, ભરૂચ જિલ્લો મોટી ઔધ્યોગિક વસાહત ધરાવતો જિલ્લો છે. જેના કારણે થતાં પ્રદૂષણને નાથવા માટે હવે વધુને વધુ વૃક્ષોનું વાવેતર થાય તે પણ ખૂબ જરૂરી બન્યું છે, ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ ગામ નજીક નિર્માણ પામેલ “રેવા અરણ્ય” ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ડો. એમ.ડી.મોડીયા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, ભરૂચ વર્તુળના વન સંરક્ષક સશીકુમાર, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ભાવના દેસાઇ, ભરૂચ સીટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ, સેક્રેટરી હરીશ જોષી અને કૃષિ તજજ્ઞો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત પર્યાવરણ પ્રેમીઓના હસ્તે રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે વિશાળ પક્ષીઓના આશ્રય સ્થાન અને વૃક્ષ આચ્છાદિત વન “રેવા અરણ્ય”ના વિકાસ માટે સહયોગ આપનાર તમામ સેવાભાવી સંસ્થાને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. તો સાથે જ ભરૂચ જિલ્લાની તમામ જનતાને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી.

Latest Stories