-
અંકલેશ્વર પોલીસનો નવતર અભિગમ
-
રીક્ષા ચાલકોને અપાશે યુનિક નંબર
-
ગુનાખોરી વધતી રોકવા પ્રયાસ
-
રીક્ષા અંગેની તમામ માહિતી રહેશે પોલીસ પાસે
-
નંબર મેળવવા રીક્ષા ચાલકોની કતાર
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા વધતી જતી ગુનાખોરીને રોકવા માટે દરેક રિક્ષાઓને યુનિક નંબર આપવાની શરૂઆત કરવામાં આવી છે જેનાથી હવે દરેક રિક્ષા અને રીક્ષા ચાલકોની માહિતી પોલીસ પાસે રહેશે.
અંકલેશ્વરમાં વધતી જતી ગુનાખોરીને રોકવા માટે પોલીસ વિભાગ તરફથી એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. દરેક રીક્ષાઓને હવે યુનિક નંબર આપવાની શરૂઆત કરવામાં આવી છે. યુનિક નંબરના આધારે પોલીસ રીક્ષા તથા તેના ડ્રાઈવરની સચોટ રીતે કરી શકશે. તાજેતરમાં જ અંકલેશ્વર પોલીસે મુસાફરના સ્વાંગમાં રીક્ષામાં ફરતી ભાવનગરની ગેંગને ઝડપી પાડી હતી.ડીવાયએસપી ડૉ. કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ રીક્ષાઓને યુનિક નંબર આપવાની શરૂઆત કરવામાં આવી છે.
હાલમાં પહેલની શરૂઆત અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ મથકથી કરાઈ છે. જેને આગામી સમયમાં ડિવિઝન હેઠળ આવતા અન્ય પોલીસ મથક્માં પણ અમલમાં મૂકવામાં આવશે.આ નવી વ્યવસ્થા મુજબ રિક્ષા પર મોટા અક્ષરે એક યુનિક નંબરનું સ્ટીકર લગાડવામાં આવશે. આ યુનિક નંબરના આધારે પોલીસ મથકમાં રિક્ષાની સંપૂર્ણ વિગતો નોંધેલી હશે. જેમાં રિક્ષાનો મૂળ નોંધણી નંબર, રિક્ષા માલિકની વિગતો, અને જો રીક્ષા ભાડેથી ચલાવવામાં આવતી હોય તો ડ્રાઈવરનું ઓળખકાર્ડ તથા મોબાઈલ નંબર સહિત સંપૂર્ણ ડેટાબેઝ પોલીસ પાસે રહેશે.
આ પહેલ પાછળના મુખ્ય ઉદ્દેશ્યમાં રીક્ષામાં મુસાફરી દરમ્યાન થતી સામાનની ચોરી, ચેઈન સ્નેચિંગ અને મોબાઈલ ચોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવી,ઘણીવાર એકલવાયા મુસાફરી કરતા સમયે મહિલાઓ, તરુણીઓ કે સગીરો સાથે બનતા અનિચ્છનીય બનાવોને રોકવા માટે આ યુનિક નંબર એક મજબૂત હથિયાર સાબિત થશે.
