પશ્ચિમ રેલવેના સફળ સંચાલનથી મુસાફરોને મળી રાહત

દિવાળી છઠ્ઠ પૂજા દરમિયાન ઉધના સ્ટેશન પર કરાયું વિશેષ આયોજન

દિવાળી અને છઠ્ઠ પૂજા દરમિયાન મુસાફરોની લાગે છે લાંબી કતાર 

ઉધના સ્ટેશન પરથી આશરે 7 લાખ મુસાફરોએ કરી રેલ યાત્રા

ઉધનાથી 62 વિશેષ ટ્રેન અને 136 નિયમિત ટ્રેન દોડાવવામાં આવી હતી

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર રેલવે તંત્રના સફળ સંચાલનથી દિવાળી અને છઠ્ઠ પૂજાના અવસરે પરપ્રાંતીય મુસાફરોને સુવિધાસભર રેલયાત્રા મળી હતી, અને આ તહેવાર દરમિયાન અંદાજે 7 લાખ લોકોએ મુસાફરી કરી હોવાનું જાણવા મળ્યું છે.

સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી બિહાર, ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં જતાં શ્રમિકો અને તેમના પરિવારોની સંખ્યા તહેવારો દરમિયાન વધતાં ભારે ભીડની સમસ્યા સર્જાતી હોય છે. ખાસ કરીને દિવાળી અને છઠ્ઠ પૂજા દરમિયાન પ્લેટફોર્મ, પ્રવેશ માર્ગો અને મુસાફરો માટેના હોલ્ડિંગ એરિયામાં ભારે દબાણ જોવા મળે છે. આ સમસ્યાના કાયમી ઉકેલના ભાગરૂપે પશ્ચિમ રેલવે દ્વારા ઉધના સ્ટેશન પર 15 હજાર મુસાફરો એક સાથે રહી શકે તેવી વિશાળ ક્ષમતા ધરાવતું નવું પેસેન્જર હોલ્ડિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું હતું.

રેલવે દ્વારા માત્ર પાંચ મહિનામાં આ કેન્દ્રનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. 10,224 ચોરસ મીટરમાં ફેલાયેલા આ કેન્દ્રમાં એકસાથે આશરે 15 હજાર મુસાફરોને સમાવી શકાય તેવી વ્યવસ્થા છે. પશ્ચિમ રેલવેના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ભારતીય રેલવેમાં આ પ્રકારનું સૌથી મોટું મુસાફર હોલ્ડિંગ સેન્ટર છે. આ ઉપરાંત સ્ટેશન પર અગાઉથી ઉપલબ્ધ 2,550 ચોરસ મીટરનું હોલ્ડિંગ એરિયા પણ મુસાફરો માટે કાર્યરત છે.

દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારો દરમિયાન આ નવી સુવિધાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થયો હતો. પશ્ચિમ રેલવેના આંકડા મુજબ, 1થી 15 નવેમ્બર 2026 દરમિયાન ઉધના સ્ટેશન પરથી આશરે 7 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી. આ સમયગાળા દરમિયાન પશ્ચિમ રેલવે દ્વારા ઉધનાથી 62 વિશેષ ટ્રેનો, જેમાં મોટાભાગની અનામત વિનાની હતી, ઉપરાંત 136 નિયમિત ટ્રેનો દોડાવવામાં આવી હતી.