જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે સવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાના મોસ્ટ વોન્ટેડ આતંકી લતીફ અહેમદ ભટને સુરક્ષાદળોએ ઠાર કર્યો છે. આતંકીએ દેવસરના જંગલપોરા વિસ્તારમાં આવેલી એક મસ્જિદમાં શરણ લીધી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોની સંયુક્ત ટીમે આખા વિસ્તારને ઘેરી લીધો હતો. સુરક્ષાદળોએ લતીફને આત્મસમર્પણ કરવાની તક પણ આપી હતી, પરંતુ તેણે સતત ગોળીબાર ચાલુ રાખ્યો હતો, જેના જવાબમાં કાર્યવાહી કરતા તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.

કુલગામના એસએસપી ઇનાયત અલીએ જણાવ્યું હતું કે, સુરક્ષાદળોએ ઘેરાયેલા આતંકી લતીફ ભટને આત્મસમર્પણ કરવા માટે વારંવાર સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. મેં પોતે તેની સાથે વીડિયો કોલ પર લાંબી વાતચીત કરી હતી અને તેને સમજાવ્યું હતું કે તેની જિંદગી હજુ બાકી છે અને તે ખૂબ યુવાન છે, પરંતુ તે વાત માનવા તૈયાર નહોતો.

લતીફ બાદમાં એક મસ્જિદની અંદર જતો રહ્યો હતો. ત્યારબાદ પણ અનેક વખત જાહેરાત કરીને તેને સરેન્ડર કરવા કહેવાયું, છતાં તેણે ઇનકાર કરી દીધો અને સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.

કુલગામના અખરણ ખાતે 11 નવેમ્બરે આતંકી લતીફ ભટે અન્ય આતંકી ઉમર નિસાર સાથે મળીને સીઆરપીએફના નાકા પર ગોળીબાર કર્યો હતો અને નાસી છૂટ્યા હતા. આ હુમલામાં ત્રણ જવાન ઘાયલ થયા હતા, ત્યારથી સુરક્ષાબલો તેમની પાછળ લાગેલા હતા.

સોમવારે કુલગામના લારૂમાં સુરક્ષાબલો સાથે થયેલી અથડામણમાં લતીફનો સાથી અને સીઆરપીએફ ટીમ પરના હુમલામાં સામેલ ઉમર નિસાર માર્યો ગયો હતો, જ્યારે લતીફ ભટ ઘેરાબંધીમાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો, જેને હવે સુરક્ષાદળોએ ઠાર કરી દીધો છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે કુલગામના અખરણમાં સીઆરપીએફ પાર્ટી પર હુમલો કરતા એક દિવસ અગાઉ લતીફ અહેમદ ભટે ચાર અલગ-અલગ સ્થળોની રેકી કરી હતી અને હુમલાનું સ્થળ તથા ભાગવાના રસ્તા નક્કી કર્યા હતા. સીસીટીવી ફૂટેજની તપાસમાં ખુલાસો થયો છે કે ઉમર નિસારે જ છેલ્લા છ મહિનાથી લતીફને શરણ આપી હતી અને બંને સાથે મળીને આતંકી પ્રવૃત્તિઓને પાર પાડી રહ્યા હતા.